આપણી આસપાસ ક્યારેક એવા લોકો સાવ અનાયાસે જ જોવા મળી જતા હોય છે કે જે દરેક વયના લોકો માટે રોલમોડેલ હોય છે. આવા લોકો માટે ઉંમર માત્ર એક સંખ્યા હોય છે અને તેમનું જીવન દીવાદાંડી સમાન હોય છે. કોવિડ મહામારીના સામના માટે રસીકરણની ઝુંબેશના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ જામનગર જિલ્લાના વાલાસણ ગામે જ્યારે ગયા ત્યારે તેમને આવી જ એક વ્યક્તિનો ભેટો થઇ ગયો!
અનાયાસે જ મળેલાં આ વ્યક્તિ એટલે ગામનો મોભ ગણાતા 98 વર્ષના યુવાન બોધાભાઈ કારેણા ગામ આખા માટે તેઓ આદરણીય બોઘાકાકા આ ઉંમરે તેમણે ખટકો રાખીને કોવિડ રસીના બંને ડોઝ લઇ લીધા અને આજેપણ પોતાના જીવનોપયોગી કામો માટે સાયકલનો ઉપયોગ કરી પોતાનાં સુદ્રઢ સ્વાસ્થયનો લોકોને પરચો આપી રહ્યા છે.વાત એવી છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના જામનગર જિલ્લાના પ્રતિનિધિ ડો.વિનય કુમાર તથા જામનગર જિલ્લા પંચાયતના પેરામેડીકલ સુપરવાઈઝર ડો.વિજય જોષી દ્વારા જામજોધપુર તાલુકાના વાલાસણ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ રસિકરણ કામગીરી અંગેની ચકાસણી દરમિયાન અધિકારી ઓની મુલાકાત 98 વર્ષના વૃદ્ધ બોઘાભાઈ કારેણા સાથે થઇ. બોઘાભાઇ આ ઉમરે પણ સાયકલનો ઉપયોગ કરતા હતા એ જોઇ આરોગ્ય વિભાગની ટીમ દંગ રહી ગઈ હતી અને તેઓએ બોઘાબાઇ પાસેથી વધુ જાણકારી મેળવવા વાર્તાલાપ શરૂ કર્યો. બોઘાભાઇને કોવિડ રસી અંગેની પુછપરછ કરતા તેઓએ ખુબ જ ગર્વથી કહ્યું કે “હા સાહેબ મેં રસીના બંને ડોઝ લીધા છે અને મને બવ સારૂં છે કોઈ જાતની તકલીફ થઈ નથી” અને વાત કરતાં કરતાં ખુબ જ હોંશથી હાથના બાવડામાં જે જગ્યાએ રસી લીધી હતી તે બતાવી હતી. સાથે સાથે બોઘાભાઇ ગામના આશાવર્કર બહેનની પ્રશંસા કરવાનું પણ ચૂક્યા નહોતા. તેમણે કહ્યું કે આ બેન તો મારી દીકરી જેવી છે.
એ જ તો મને રસી અપાવવા રસીકરણ કેંદ્ર સુધી લઈ ગઈ હતી. વાત વાતમાં બોઘાબાપાએ એમના જમાનાના દિવસો વાગોળતા જણાવ્યું હતું કે જુના સમયમાં શીતળાની રસી આવી ત્યારે પણ લોકોમાં હાલ ચાલી રહી છે એવી જ ભાત ભાતની વાતો ચાલતી હતી પણ મેં ત્યારે પણ કોઇ અફવા ગણકાર્યા વગર શીતળાની રસી લીધી હતી અને હેમખેમ રહ્યો હતો. એવી જ રીતે આ વખતે પણ મેં કોઇ જ ઉડતી વાત ગણકાર્યા વગર કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે.