કોંગ્રેસ દ્વારા આજે તમામ 182 બેઠકો માટે ઉમેદવારોના નામો લગભગ ફાઇનલ થઇ જશે: વિવાદ ટાળવા જાહેરાત મોડી કરાશે
ગુજરાતમાં છેલ્લી 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસ દ્વારા આ વખતે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે ખુબ જ ગંભીર જણાય રહી છે. ચુંટણીની તારીખ જાહેર થયા પૂર્વ જ કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ર8 બેઠકો માટે ઉમેદવારોના નામો સર્વ સંમતિથી ફાઇનલ કરી નાખ્યા છે. દરમિયાન બાકી રહેલી 84 બેઠકો માટે નામો ફાઇનલ કરવા માટે આજે દિલ્હી ખાતે કોંગ્રેસના નવ નિયુકત રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જાુન ખડગેની અઘ્યક્ષતામાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની એક બેઠક મળશે.
આ બેઠકમાં ભાગ લેવા માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. 84 બેઠકો માટે નામો નકકી કરવા માટે ગંભીરતા સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં મોટાભાગની બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામો ફાઇનલ કરી દેવામાં આવશે. ઉમેદવારોને પણ ખાનગીમાં પ્રચાર-પ્રસાર શરુ કરી દેવા જણાવી દેવાશે. વિવાદને ટાળવા માટે ઉમેદવારોના નામની ઘોષણા ફોર્મ ભરવાના અંતિમ બે કે ત્રણ દિવસ બાકી હશે ત્યારે જ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
દરમિયાન જે બેઠકો પર વિવાદ થવાની સંભાવના નહિવત છે. આવી બેઠકો માટે આગામી એકાદ બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી. 2017 વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો પર જીતયું હતું. કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયા બાદ ઘણા ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી લેતા હાલ કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે આ તમામની ટિકીટ ફાઇનલ માનવામાં આવી રહી છે.