- ડીસીપી, બે એસીપી, 11 પીઆઈ, 70 પીએસઆઈ સહિતના અધિકારીઓ રહેશે ખડેપગે
રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જે પાંચ દિવસીય લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે આ વર્ષે તા. 24 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ધરોહર લોકમેળાને સુરક્ષિત રાખવા પોલીસ દ્વારા બંદોબસ્ત સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. જે બંદોબસ્ત પ્લાન મુજબ લોકમેળામાં કુલ 971 પોલીસ અધિકારી-કર્મચારીઓ લોખંડી બંદોબસ્ત જાળવનાર છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લોકમેળાને લઈને બંદોબસ્ત પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને હાલ તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બંદોબસ્તમાં કુલ 163 પોઇન્ટનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જે બંદોબસ્ત પ્લાનનું ડીસીપી જગદીશ બંગરવા પોતે જ નિરીક્ષણ કરનાર છે. ઉપરાંત 2 એસીપી, 11 પીઆઈ, 50 પીએસઆઈ, 20 મહિલા પીએસઆઈ, 454 પોલીસ કર્મચારીઓ, 174 મહિલા પોલીસ કર્મચારીઓ, 207 હોમગાર્ડના જવાનો તેમજ 52 મહિલા હોમગાર્ડ મળી કુલ 971 પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્ત પ્લાનમાં જોડાનાર છે.
મેળા દરમિયાન રોડ રસ્તા પર કોઈ અવ્યવસ્થા ન થાય તેના માટે પાર્કિંગ, વન વે તેમજ ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ આયોજન માટે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ તંત્ર સતત હાજર રહેશે. ધરોહર લોકમેળો પ્રથમ એવો મેળો બની રહેનાર છે જેમાં કુલ 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. અગાઉ ચાર સેક્ટરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવતો હતો. મેળા પર બાજ નજર રાખવા માટે ધાબા પોઇન્ટ અને 14 જેટલાં વોચ ટાવર બનાવવામાં આવ્યા છે જ્યાંથી આખા મેળા પર ચાંપતી નજર રાખવામાં આવનાર છે. ઉપરાંત પ્રથમવાર લોકમેળામાં સ્ટોલવાઈઝ બંદોબસ્ત ગોઠવવવામાં આવનાર છે.
રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર સહિત છ જિલ્લામાંથી પોલીસ મહેકમ મંગાયું
લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પરિવાર સાથે આવતા હોય છે ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે લોકમેળામાં લોખંડી બંદોબસ્ત જાળવવા રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાંથી પોલીસ મહેકમની માંગણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાની એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા ચાર ચાર કર્મચારીઓની માંગણી બંદોબસ્ત માટે કરવામાં આવી છે.
નજર રાખવા 30 બાયનોક્યુલર, સંદેશાવ્યવહાર માટે 104 વોકીટોકી સહિતના ઉપકરણોની મદદ લેવાશે
લોકમેળાનું સ્થળ એટલે કે રેસકોર્સ મેદાન અને તેની આસપાસના વિસ્તાર પર નજર રાખવા માટે 30 જેટલાં જવાનોને 30 બાયનોક્યુલર સાથે તૈનાત કરવામાં આવનાર છે. ઉપરાંત સંદેશાવ્યવહાર માટે 104 વોકીટોકીનો ઉપયોગ કરવામાં આવનાર છે. તેમજ 13 ડીએમએફડી, 30 એચએચએમડી પણ ઉભા કરવામાં આવનાર છે.
એન્ટી રોમીયો, એન્ટી સ્નેચિંગ સહિતની અનેક સ્કવોડ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં રહેશે
મેળામાં આવારા તત્વો કોઈ અઘટિત કૃત્યને અંજામ ન આપે તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ સ્કવોડની રચના કરવામાં આવી છે. મહિલાઓન્જ સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ, ચીલ ઝડપ કરતી સમડીઓની પાંખ કાપવા એન્ટી સ્નેચિંગ સ્કવોડ, તસ્કરોને ઝડપી લેવા પોકેટ કોપ ટીમ, ગુમ બાળકો લને શોધી કાઢવા સ્પેશિયલ ટીમ તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા સ્પેશિયલ સ્કવોડ કે જેમાં મહિલા પોલીસકર્મીઓ સાદા કપડાંમાં તૈનાત રહેનાર છે.
લોકમેળાના સ્થળ પર બાજ નજર રાખવા ધાબા પોઇન્ટ, 14 વોચ ટાવર
લોકમેળાના સ્થળ પર બાજ નજર રાખવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. ધાબા પોઇન્ટ તેમજ 14 જેટલાં વોચ ટાવર મારફત બાજ નજર રાખવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રથમવાર 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ક્રાઉડ કંટ્રોલ કરવા માટે સ્પેશયલ ટીમો શિફ્ટવાઈઝ હાજર રહેનાર છે.