૧૦મી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડી.એચ.કોલેજ ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ/ વાત્સલ્ય યોજનાનો મેગા કેમ્પ: પત્રકાર પરિષદમાં માહિતી આપતા મેયર અને મ્યુનિસિપલ કમિશનર
કેન્દ્રની મોદી સરકાર દ્વારા વિશ્ર્વની સૌથી મોટી હેલ્થ-કેર યોજના દેશમાં લાગુ કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ૯૬ હજાર જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે. આગામી ૧૦મી ફેબ્રુઆરીના રોજ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત યોજના અને મુખ્યમંત્રી અમૃતમ-વાત્સલ્ય યોજનાનો મેગા કેમ્પ યોજાશે તેમ આજે પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેયર ડો.બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને ઘેર-ઘેર પત્રિકાઓ પહોંચાડી આ યોજના અંગે જાણકારી આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, નાગરિકો માટે આશીર્વાદ એવી આયુષ્માન ભારત યોજના તેમજ મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાથી વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે એક જ સ્થળે આ યોજનાના કાર્ડ આપવાની પ્રક્રિયા કરી શકાય તેવા હેતુથી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, મહાપાલિકાની તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતેથી ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત શહેરની અલગ-અલગ ૨૨ હોસ્પિટલોમાં કુટુંબદીઠ વાર્ષિક ૫ લાખ સુધીની સારવાર ૧૭૯૫ પ્રકારની બિમારીઓ માટે મળશે. આ માટે આશાવર્કર, એએમએન દ્વારા રાજયમાંથી ફાળવેલ પ્રધાનમંત્રી પત્ર (સ્લીપ)નું વોર્ડ વાઈઝ વિતરણ કરવામાં આવશે. આગામી ૧૦મી ફેબ્રુઆરીએ સવારે ૮:૩૦ કલાકથી ડીએચ કોલેજ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મેગા કેમ્પ યોજાશે.
હાલ આ કેમ્પ માટે લાભાર્થીઓને સ્લીપનું વિતરણ શ‚ કરી દેવામાં આવ્યું છે જો કોઈ નાગરિકને સ્લીપ ના મળી હોય તો તે www.MERAPMJAY. gov.inની વેબસાઈટ પર જો પોતાનું નામ છે કે નહીં તે અંગે ચેક કરી શકશે અથવા ટોલ ફ્રી નંબર ૧૪૫૫૫ પર ફોન કરી નામ લીસ્ટમાં છે કે નહીં તેની ચકાસણી કરી શકશે.
આયુષ્માન યોજના માટે શહેરની વિવિધ ૨૪ હોસ્પિટલોમાં આ કાર્ડના આધારે સારવાર મેળવી શકશે. જિલ્લા કક્ષાએ કલેકટરના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી જો આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલો લાભાર્થીને સારવાર આપવાની મનાઇ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે અને જરૂર પડયે પેનલ્ટી પણ ફટકારશે. ટુંક સમયમાં હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક બોલાવવામાં આવશે અને યોજના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ યોજનાનો લાભ વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના કુટુંબોને તેમજ વાર્ષિક ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા સિનિયર સીટીજનને મળશે. મેયર બિનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના અધિકારીઓએ આ યોજનાનો લાભ લેવા રાજકોટવાસીઓને આહવાન કર્યું છે.