કોરોનાના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૨,૪૩,૧૪૯ કિલો વધુ બાયોમડિકલ વેસ્ટ થયો ઉત્પન્ન: કોવિડ વેસ્ટ ૨,૬૫,૧૧૨ કિલો અને નોન કોવિડ વેસ્ટ ૬,૮૮,૬૭૭ કિલો
છેલ્લા ૯ માસથી દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે બાયોમેડિકલ વેસ્ટમાં પણ તોતીંગ વધારો થયો છે. ગત વર્ષે ૧૧ માસમાં ૭,૧૦,૬૪૦ કિલો બાયોમેડિકલ વેસ્ટ નિકળ્યો હતો. જેની સામે આ વર્ષે છેલ્લા ૧૧ મહિનામાં ૯,૫૩,૭૮૯ કિલો બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. જેમાંથી કોવિડ વેસ્ટ કહી શકાય તેવો કચરો જ ૨,૬૫,૧૧૨ કિલો છે. સપ્ટેમ્બર માસમાં જયારે કોરોના પીક પર હતો ત્યારે શહેરમાં સૌથી વધુ ૭૧,૬૦૯ કિલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ નિકળ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત વર્ષે ૨૦૧૯માં જાન્યુઆરીથી લઈ ડિસેમ્બર માસ સુધીમાં શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ૭,૭૬,૧૪૫ કિલો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરમાં દર મહિને સરેરાશ ૬૩,૦૦૦ કિલો જેવો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. ગત માર્ચ માસથી કોરોનાનું પ્રકોપ વધતા બાયોમેડિકલ વેસ્ટના કચરાનું પ્રમાણ વધ્યું છે. કોવિડ બાયોમેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો રહેલ છે જેના કારણે તેનો અલગથી નિકાલ કરવામાં આવે છે. ગત માર્ચ માસમાં શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. નવેમ્બર માસ સુધીમાં કોવિડ હોસ્પિટલોમાંથી ૨,૬૫,૧૧૨ કિલો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. માર્ચ માસમાં સૌથી ઓછો ૧૩૨૮ કિલો અને સપ્ટેમ્બર માસમાં જ્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ હતું ત્યારે સૌથી ૭૧૬૦૯ કિલો કોવિડે વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. ગત માસમાં ૨૮,૮૧૯ કિલો કોવિડ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. નોન કોવિડ વેસ્ટમાં નજર કરવામાં આવે તો જાન્યુઆરીથી લઈ નવેમ્બર માસ સુધીમાં શહેરમાં ૬,૮૮,૭૭૭ કિલો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. જેની માસીક સરેરાશ ૬૩,૦૦૦ કિલો થવા પામે છે.
૨૦૧૯માં નવેમ્બર માસ સુધીમાં શહેરની હોસ્પિટલોમાંથી ૭,૧૦,૬૪૦ કિલો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે કોરોનાના કારણે ૨,૪૩,૧૪૯ કિલો વધુ બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયો છે. હાલ બે અલગ અલગ રીતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે જેમાં કોવિડ હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતા મેડિકલ વેસ્ટનો અલગથી નિકાલ કરાય છે જ્યારે નોન કોવિડ વેસ્ટનો અલગથી નિકાલ કરવામાં આવે છે.