સરકારના નિર્ણયથી આવી શાળાનાં શિક્ષકોનાં પગાર શાળા કયાંથી કાઢે? અન્ય શાળા ખર્ચ ન મળે પણ લાખો શિક્ષકોનાં પગાર છાત્રોની ફીમાંથી થતો હોય આ મુશ્કેલીમાં સરકારી મદદ આવકાર્ય ગણાશે?
એકબાજુ છેલ્લા ચાર મહિનાથી કોરોનાની મહામારી વચ્ચે હાલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ થતા વાલીઓ પર આક્રોશે ચડયા હોય તેવું લાગે છે. બુધવારે રાજય સરકાર દ્વારા પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જયાં સુધી સતાવાર રીતે શાળાઓ શરૂ નહીં થાય ત્યાં સુધી એક પણ સ્કુલ ફી ઉઘરાવી શકશે નહીં જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે અમે ઓનલાઈન શિક્ષણ પણ આપીશું નહીં. વાત કરીએ તો આત્મનિર્ભર શાળાઓને પણ આત્મનિર્ભર થવા પૈસાની જરૂર પડે છે ત્યારે જો સક્ષમ વાલીઓ પણ ફી નહીં ભરે તો આ સંસ્થાઓ કઈ રીતના ટકશે ? રાજયની ૯૫ ટકા સ્વનિર્ભર શાળા સરકારી ધારાધોરણ મુજબ ફી લઈને ભણાવે છે. છેલ્લા ચાર મહિનાથી કોરોનાની મહામારીમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું જોકે સરકારનાં બુધવારનાં નિર્ણયથી આવી તમામ શાળાઓ શિક્ષકોનાં પગાર કયાંથી કાઢે તે એક વૈદ્યક સવાલ ઉભો થયો છે. અન્ય શાળા ખર્ચ ન મળે પરંતુ લાખો શિક્ષકોનાં પગાર છાત્રોની ફીમાંથી થતો હોય તેમાં આ મુશ્કેલીની પરિસ્થિતિમાં સરકારી મદદ આવકાર્ય ગણાશે?
ગુજરાતનાં શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ હોય તેમ હાલમાં તો રાજય સરકાર અને સ્વનિર્ભર શાળા સંચાલકનાં નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ કઠપુતળી બની ગયા છે. ગુજરાતની ૧૬ હજાર જેટલી સ્વનિર્ભર શાળાઓ તેનાં ૧૫ લાખ કરતા વધુ કર્મચારીઓને ૫૦ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનાં અભ્યાસ બગાડવાની કે લાખો કર્મચારીઓની રોજગારી જતી રહે તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. તેમજ સ્વનિર્ભર શાળાનાં શિક્ષકો, પટ્ટાવાળા, ડ્રાઈવર, રસોઈયા, શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓની રોજીરોટી છીનવાય જાય તેવી પરિસ્થિતિમાં સરકાર યોગ્ય નિર્ણય લેવાને બદલે પોતે જ ઓનલાઈન શિક્ષણ આપવાની વાતો કરે છે.
હાલ તો આ કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંઝાયા છે સાથો સાથ જો સેલ્ફ ફાયનાન્સ સ્કુલોને ફી ન મળે તો તેમના શિક્ષકોને છુટા કરવાની નોબત આવે તો આવી સંસ્થા કયાંથી ટકે. મહામંડળનાં જણાવ્યા મુજબ કોરોનાનાં સમયગાળામાં એક બાજુ બાળકોનું રેગ્યુલર શિક્ષણ બંધ છે અને દિવસો ઘટી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણમાં પણ રેગ્યુલર સ્કુલ જેટલા કલાકે શિક્ષણકાર્ય થઈ રહ્યું નથી ત્યારે ઉકત સોલ્યુશનનાં બદલે સરકાર જે અશકય છે અને જેનો લાંબો વિચાર કરવાના બદલે વિદ્યાર્થી, વાલી, શિક્ષકો, શાળાઓનાં વિચાર કરવાને બદલે અને ખાસ બગડી રહેલા સમયમાં અને ધો.૧૨ સાયન્સની મહત્વની એવી નીટ અને ગુજકેટની પરીક્ષાઓ પણ માથે છે ત્યારે ગુજરાતનાં વિદ્યાર્થીઓનાં હિતમાં સરકાર નિર્ણય કરે તેવી માંગ છે.
કપરી પરિસ્થિતિમાં વાલીઓનો સહયોગ જરૂરી: ડો.અજય પટેલ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટનાં પ્રમુખ અને ન્યુએરા સ્કુલનાં ટ્રસ્ટી ડો.અજય પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જે પરિસ્થિતિ છે તે કાયમી રહેવાની નથી. ઓનલાઈન શિક્ષણ છેલ્લા ચાર માસથી ચાલુ જ હતું પરંતુ સરકાર દ્વારા જે પરીપત્ર કરવામાં આવ્યો કે શાળા શરૂ ન થાય ત્યાં સુધી કોઈપણ વાલીઓ ફી ન ભરે. આગામી કયારે શાળાઓ શરૂ થશે તે પણ કાંઈ ખ્યાલ નથી. માર્ચ મહિનાથી ડિસેમ્બર મહિના સુધી આવી રીતે કેમ શાળા ચાલી શકે ? અગાઉ અમે જાહેર કર્યું હતું કે, સક્ષમ વાલીઓ એક માસની ફી ભરે અને જે ખાલીઓ અસક્ષમ છે તેને અમે ફીમાં રાહત આપવાની વાત કરી હતી પરંતુ સરકારનાં આ નિર્ણયથી અમારે નાછુટકે ઓનલાઈન શિક્ષણ બંધ કરવું પડયું. અમને બાળકોનાં ભવિષ્યની પુરેપુરી ચિંતા છે. બાળકોનું ભવિષ્ય ન બગડે તેવા અમારા તમામ પ્રયાસો રહેશે. શાળા ચલાવવા માટેનું જે પણ ભંડોળ હતું તે હવે પૂર્ણ થઈ ગયું છે અને હવે જયારે આવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તે યોગ્ય નથી. આ મામલે વાલીઓએ પણ અમને સહયોગ આપવો જરૂરી બન્યો છે.
વિદ્યાર્થી અમારા કેન્દ્ર સ્થાને છે તેનું ભવિષ્ય બગડવા નહીં દઈએ: ડો.અવધેશ કાનગડ
શુભમ સ્કુલનાં ટ્રસ્ટી ડો.અવધેશ કાનગડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના મુજબ હાલ પુરતુ ઓનલાઈન શિક્ષણ સ્થગિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી હંમેશા અમારા કેન્દ્ર સ્થાને છે અને તેનું ભવિષ્ય અમે કયારેય બગાડવા નહીં દઈએ. છેલ્લા ચાર મહિનાથી આ સ્વનિર્ભર શાળાઓ દ્વારા ઓનલાઈન એજયુકેશન આપવામાં આવી રહ્યું હતું. ૫૦ ટકા જેટલો કોર્સ પણ પુરો થઈ ગયો હતો અને હાલમાં જયારે ઓનલાઈન એજયુકેશન બંધ છે. વિદ્યાર્થીઓ ઘરે બેસી રીવીઝન કરે તેવો મારો આગ્રહ છે. અમે કયારેય વાલીઓને ફી માટે દબાણ કર્યું જ નથી. વાલીઓ એક મહિનાની પણ ફી ભરી શકે છે. અમારી એક જ માંગ છે કે, હાલની પરિસ્થિતિ મુદ્દે સરકાર અમારા શિક્ષકોનાં કર્મચારીઓને પગાર આપે એટલે અમે ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરીશું. અમે હાઈકોર્ટમાં પણ રીટ કરી છે અને હાઈકોર્ટનો જે નિર્દેશ આવશે તે સરકાર અને શાળા માન્ય રાખશે. વિદ્યાર્થીઓએ મુંઝાવવાની જરૂર નથી.
આર્થિક રીતે નબળા વાલીઓને ફીમાં રાહત આપવાની અમારી તૈયારી: ડો.જતીન ભરાડ
ભરાડ સ્કુલનાં ટ્રસ્ટી જતીન ભરાડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ સ્વનિર્ભર શાળાઓ માટે ખુબ જ કફોડી છે. હાલ અમે જે ઓનલાઈન એજયુકેશન બંધ કર્યું છે જેને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જર નથી. આગામી અઠવાડિયામાં કોઈને કોઈ નિર્ણય જર આવશે ત્યારબાદ અમે બધુ જ સરખું કરી દેશું. વિદ્યાર્થીઓનાં કોર્સમાં પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર પણ વિચારણા કરી રહી છે અને આગામી દિવસોમાં ૩૦ ટકા કોર્સ ઘટી જાય તેવું આયોજન કરવામાં આવશે. છેલ્લા ૪ મહિનાથી સ્વનિર્ભર શાળાઓએ પુરો સહયોગ આપ્યો હતો. કોઈપણ વાલી જો આર્થિક રીતે નબળા હોય તેને ફીમાં રાહત આપવાની પણ અમારી પુરતી તૈયારી છે. એક જ અપીલ છે કે, જે સક્ષમ વાલી છે તેમને પાછળનાં ૪ મહિનામાં આર્થિક નુકસાન નથી થયું તેવા લોકો એક મહિનાની ફી ભરે જેથી અમે શૈક્ષણિક સ્ટાફ અને બિનશૈક્ષણિક સ્ટાફને પગાર પુરો પાડી શકીએ.
સીબીએસઈની જેમ જીએસઈબીમાં પણ કોર્સ ઘટાડવાની જરૂર: વિપુલ પાનેલીયા
ધ સ્કુલ ઓફ સાયન્સનાં ટ્રસ્ટી ડો.વિપુલ પાનેલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જયારથી લોકડાઉન થયું ત્યારથી સ્વનિર્ભર શાળા સંચાલક
મંડળ વાલી અને વિદ્યાર્થીઓની ચિંતામાં જ હતું. સરકારનાં આવા તઘલઘી પરીપત્રથી સ્વનિર્ભર શાળા સંચાલકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જેવી રીતે સીબીએસઈએ સ્કુલોનાં સીલેબસમાં ઘટાડો કર્યો છે તેમ જીએસઈબીમાં પણ આજ પ્રકારનો નિર્ણય થાય તે જરૂરી છે. આવા સારા નિર્ણય કરવાના બદલે સરકાર દ્વારા કંઈક ઉધા જ નિર્ણય થઈ રહ્યા છે. આ વર્ષે અમે ફીમાં પણ વધારો કર્યો નથી. વાલીઓ ફી ન ભરે તો શાળા કઈ રીતે ચલાવવી. એક સેલ્ફ ફાયનાન્સ સ્કુલનાં આચાર્યએ ગુજરાન ચલાવવા લારી કાઢવી પડે તે દુ:ખદ વાત કહેવાય. વાલીઓએ બાળકનો વિચા
ર કરીને નિર્ણય કરવા જોઈએ. વિદ્યાર્થી અમારો પરીવાર જ છે પરંતુ શાળાનાં કર્મચારીઓ અને શિક્ષકોને સાચવવાની પણ અમારી જવાબદારી છે. સરકારે જે રીતે આર્થિક પેકેજની જાહેરાત કરી છે તેમ શાળાઓ માટે પણ આવો કંઈક નિર્ણય કરવાની જરૂર છે. હાલ અમને વાલીઓનાં સહયોગની ખુબ જ જરૂર છે જોકે સ્વનિર્ભર શાળાઓનાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનું કંઈક અલગ જ અર્થઘટન થઈ રહ્યું છે.
બોર્ડનાં પરિણામ અલગથી રજુ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કરશે આરટીઆઈ
શિક્ષણ વિભાગનાં પરીપત્ર સામે ઓનલાઈન શિક્ષણ સ્વનિર્ભર શાળા સંચાલકોએ બંધ કર્યું છે ત્યારે હવે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારની નીતિ સામે રોષ ઉઠી રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ટુંક સમયમાં બોર્ડનાં પરિણામની આરટીઆઈ કરીને કોર્ટનો સહારો લઈને પ્રાઈવેટ અને સરકારી સ્કુલનાં બાળકોનાં અલગ પરિણામો તાત્કાલિક વાલીઓની સામે લાવે તે પ્રકારની કાયદાકિય ગાઈડલાઈન લેવાઈ રહી છે. તાજેતરમાં ધો.૧૦નાં ગણિતનાં પેપરમાં અસંખ્ય વિદ્યાર્થીઓને થયેલ અન્યાય બાબતમાં પણ ગણિતનાં પેપરનાં પરિણામની તટસ્થ તપાસ કરવા પણ કમિટી રચવા માંગ થનાર છે. ટુંકમાં સરકારના આ નિર્ણયમાં વાલી, વિદ્યાર્થી, શિક્ષકો અને શિક્ષણ ખોરવાય તે વાલીઓને ચિંતા પ્રવર્તી રહી છે.