જામનગર ન્યુઝ : જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે, તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકામાં આવેલા બેડ ગામમાં પશુ રોગ અન્વેષણ એકમ દ્વારા ઊંટ સંવર્ગના પ્રાણીઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પશુઓના વ્હોલ બ્લડના 30, બ્લડ સ્મેરના 50, સ્કિન સ્ક્રીપિંગના 20 સહિત કુલ 100 જેટલા નમૂના ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. કુલ 5 લાભાર્થીઓ સર્વે વિપુલભાઈ ભાંગરા, માલદેભાઈ વાઘેલા, દેવાભાઈ મોરી, કાનાભાઈ નાંઘા, આલાભાઈ ભાંગરા- તમામ પશુપાલકોને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તેમના ઘર આંગણે જ સેવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓના કુલ 94 ઊંટ સંવર્ગના પશુઓને ઝેરબાઝ, (એંટીસેરા) ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી.અને તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ રસીકરણ ઝુંબેશ દરમિયાન જામનગર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી અને પશુરોગ અન્વેષણ એકમના મદદનીશ પશુપાલન નિયામક હાજર રહ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બેડ ગામમાં પશુપાલકોના 94 ઊંટનું રસીકરણ કરવામાં આવ્યું
સાગર સંઘાણી