Rajkot : રેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 4 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આજે આ ઘટના સામે આવતા ચારે કોરથી આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહી છે. ત્યારે હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલશંકર દેસાઈ (ઉ.વ.92)નું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે BNS એક્ટ કલમ 75 અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ફરિયાદી અને તેનો પરિવાર રેલનગર વિસ્તારમાં રહે છે અને તેમને સંતાનમાં 4 વર્ષની દીકરી છે. તેમની 4 વર્ષની માસુમ દીકરી ગઈકાલે સાંજના 5 વાગ્યે પોતાના ઘર સામે શેરીમાં રમતી હતી, ત્યારે ત્યાં પાડોશમાં જ રહેતો આરોપી નવલશંકર દેસાઈ અચાનક ઘસી આવ્યો હતો અને બાળકીને ફોસલાવી તેના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો.
વૃદ્ધે તમામ હદ વટાવી દીકરીને તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી પિલાય રહેલી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં. ગભરાઈ ગયેલી બાળકીને છોડાવી તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતાં. આ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી PI ભાર્ગવ ઝણકાંતની ટીમે હવસખોર વૃદ્ધ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થવા પામી છે. આ માટે સાંયોગિક પુરાવા રૂપે કેમેરા ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા છે. અને આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ BNSની કલમ 75 તેમજ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. તેમજ આ ગંભીર ઘટનામાં એક સપ્તાહની અંદર ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી આરોપીને શખ્તમાં શખ્ત સજા થાય તે મુજબ કાર્યવાહી હાથ ધરવમાં આવશે.