દેશના સૌથી જુના અને સૌથી વિશાળ મહિલા સંગઠન અખિલ હિન્દ મહિલા પરીષદની ૯૧મી રાષ્ટ્રીય પરિષદ આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે દેશના પ્રત્યેક રાજયના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પરીષદ અધ્યક્ષા રાકેશ ધવનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને આ મહત્વપૂર્ણ પરીષદમાં મહિલા સુરક્ષા, કૌશલ્યવર્ધન પ્રશિક્ષણ, સ્થાનિક સ્વરાજયમાં ચુંટાયેલી મહિલાઓની સક્ષમતા તેમજ કાનુની પ્રશિક્ષણની સર્વગ્રાહી વ્યવસ્થા નિષ્પન્ન કરવા સહિતના મહિલા જગત માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
અખિલ હિન્દ મહિલા પરીષદના પશ્ર્ચિમ ભારતના ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવના જોશીપુરાએ આ પ્રસંગે સવિશેષ રીતે કૌશલ્યવર્ધન માટેની ગુજરાત મોડેલની પરેખા રજુ કરવાની સાથે મહિલા સ્વાવલંબન પ્રવૃતિ રજુ કરતા દેશભરમાંથી સાર્વત્રિક સ્વપે પ્રશંસા પ્રાપ્ત કરી હતી.
વર્તમાનમાં અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા દેશના વિવિધ રાજયોમાં વ્યવસાયી મહિલાઓ માટે છાત્રાલયો, સ્વાવલંબન કેન્દ્રો, વૃદ્ધાશ્રમો, આરોગ્ય કેન્દ્રો તેમજ કાનુની સહાય કેન્દ્રો સહિતની પ્રવૃતિઓ ચાલે છે તેમાં સવિશેષ રીતે છેલ્લા વર્ષથી અખિલ હિન્દ મહિલા પરીષદ પુરસ્કૃત એજયુકેશન ટ્રસ્ટ બનાવવામાં આવેલ છે અને આ ટ્રસ્ટના માધ્યમથી કન્યા કેળવણી તેમજ આર્થિક પછાત વર્ગ સમુહમાંથી આવતી કુમારિકાઓને ઉચ્ચ શિક્ષણની સવલતો મળી રહે તે માટે ખાસ સહાય કરવામાં આવે છે.