દસ વર્ષમાં ફોર્મ ભરનાર ૩૯૪૪૫ સ્નાતકો પૈકી ૩૦૨૭૭ પાસ થયા : બાકીનાને પરીક્ષા પાસ કરે ત્યાર બાદ જ પ્રેક્ટિસ શરૂ કરવાની નોટિસ કઢાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ નહિ ક૨ના૨ ૯૧૬૮ કાયદા સ્નાતકોને વકીલાતની પ્રેકટીસ ન કરવા તાકીદ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે.
આ અંગે બાર કાઉન્સિલ એક ગુજરાતના ચેરમેન કિશોરકુમાર આર.ત્રિવેદી, વાઇસ-ચેરમેન કરણસિંહ બી.વાધેલા, એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન મનોજ એમ. એનડકટ તથા એનરોલમેન્ટ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ સંયુક્ત રીતે જણાવ્યું છે કે સને ૨૦૦૯ પછી દેશની કોઇપણ તાલુકા અથવા જિલ્લા અદાલતોમાં, હાઇકોર્ટમાં કે ટ્રીબ્યુનલમાં વકીલાતની પ્રેકટીસ કરવી હોય તો તથા ધારાશાસ્ત્રીએ કરજીયાતપણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરવી પડે છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી આવા નવા નોંધાયેલા ધારાશાસ્ત્રીઓને પ્રાથમિક તબકકામાં બે વર્ષ માટે વકીલાત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે અને તે માટે તેવા ધારાશાસ્ત્રીઓ પાસેથી બે વરસમાં પરીક્ષા પાસ કરશે તે માટે બોન્ડ પણ લેવામા આવે છે, અને જો તેવા ધારાશાસ્ત્રી બે વર્ષમાં ઓલ ઇન્ડિયા બાર એકઝામિનેશન પાસ ન કરે તો અદાલતમાં કોર્ટ કાર્યવાહીમાં ભાગ લઇ શકતા નથી કે પ્રેક્ટીસ કરી શકતા નથી.
દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સને ૨૦૦૯ થી ૨૦૧૯ સુધી ૩૯૪૪૫ ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે, અને તે પૈકી ૩૦૨૭૭ ધારાશાસ્ત્રીઓએ ઓલ ઇન્ડિયા બાર એકઝામિનેશન પાસ કરેલ છે અને ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓએ પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ બે વરસ પુરા થયા હોવા છતાં ધારાશાસ્ત્રીઓએ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરેલ નથી. તેવી હકીકત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેકર્ડ પર ધ્યાન પર આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા.૯/૧૦/ર૦૨૧ના રોજ મળેલ સામાન્યસભામાં સર્વાનમતે આવા ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓ જયાં સુધી ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ ન કરે ત્યાં સુધી વકીલાત તાકીદે બંધ કરવા માટે જાણ કરવાનો ઠરાવ કરવામાં આવેલ છે.
આવા ૯૧૬૮ ધારાશાસ્ત્રીઓની યાદી તમામ તાલુકા અને જિલ્લાની અને હાઇકોર્ટ સહિતની તમામ અદાલતોમાં તેમજ તમામ બાર એસોસિએશનોમાં મોકલી આપવા માટે નકકી કરવામાં આવેલ છે, તેમજ આવા કોઇપણ ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ ન કરેલ વકીલો વકીલાત કરતા માલુમ પડશે તો તેમની સામે તાકીદે ન્યાયિક કાર્યવાહી કરવાનું નકકી કરવામાં આવેલ છે.
આ મીટિંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે.પટેલ , બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર શંકરસિંહ એસ.ગોહિલ, દિપેન કે.દવે, સી.કે.પટેલ, હિરાભાઇ એસ.પટેલ, કિરીટ એ.બારોટ, નલીન ડી.પટેલ, રમેશચંદ્ર ન.પટેલ, જીતેન્દ્ર બી.ગોળવાલા, હિતેશ જે.પટેલ, પરેશ આર.જાની, પરેશ એચ.વાધેલા. મુકેશ સી. કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડ વગેરેએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.