અભિયાનમાં પત્રિકાઓનું વિતરણ, જુથ ચર્ચા, પોસ્ટરો, કાઉન્સેલિંગ, વર્કશોપ યોજાયા
રાજકોટ જિલ્લામાં તા. 10 ફેબ્રુઆરી-ર0ર3 થી 17 ફેબ્રુઆરી-ર0ર3 દરમ્યાન “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” નિમિત્તે સાપ્તાહિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 1 થી 19 વર્ષના બાળકોને દરરોજ કૃમિનાશક વિરોધી ગોળી(આલ્બેન્ડાઝોલ) ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત 1 વર્ષ થી 19 વર્ષના કુલ 4,13,639 બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.
આ કામગીરી રાજકોટ જિલ્લાના તમામ 1ર સામુહિક આરોગ્ય કેન્દ્રો, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 9-અર્બન હેલ્થ સેન્ટરો, 347 સબસેન્ટરો અને તેમના સેજાના 605 ગામોમાં કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 1 વર્ષથી 19 વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવા માટે બુથ બનાવી આરોગ્યની ટીમો અને અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તાર વગેરેમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવેલ હતી. એક પણ બાળક છૂટી ન જાય તે માટે ટીમ દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નીલેશ રાઠોડે જણાવ્યું હતું કે, 10 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી-ર0ર3 સુધી રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિન ની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના 1 થી 19 વર્ષની વયજુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા કુલ 413639 એટ્લે કે જિલ્લાના 91% બાળકોને કૃમિનાશક ગોળી આપી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપેલ છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે.
આ અભિયાનમાં પત્રિકાઓનું વિતરણ, પોસ્ટરો, બેનરો, જુથ ચર્ચા, ગૃપ મીટીંગ, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફીલ્મોનુ નિદર્શન, કેમ્પ વર્કશોપ વગેરેનું આયોજન કરાયુંહતું. “સપ્તધારાથી સ્વાસ્થ્ય” અંતર્ગત રજુ કરવામાં આવેલ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ ટીમે લોકોને રાષ્ટ્રીય કૃમિનાશક દિનની વિસ્તૃત સમજ આપી હતી.