અલગ-અલગ રાજમાર્ગો પરથી ભાજપ, કોંગ્રેસ અને આપના 420 બોર્ડ-બેનર અને 488 ઝંડી-પતાકાને દૂર કરતું કોર્પોરેશન
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે રાજમાર્ગો પર કોઇપણ રાજકીય પક્ષ પોતાના બોર્ડ-બેનર કે ઝંડી-પતાકા ચૂંટણી અધિકારીની મંજૂરી વિના લગાવી શકતું નથી. શહેરના અલગ-અલગ માર્ગો પર રાજકીય પક્ષોના બોર્ડ-બેનર અને ઉમેદવારોના ફોટા લાગેલા હોવાથી આચાર સંહિતાનો ભંગ થઇ રહ્યો છે. તેવી ફરિયાદ ઉઠતા કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 908 બોર્ડ-બેનર અને ઝંડી-પતાકા હટાવી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ત્રીજી નવેમ્બર ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ કોર્પોરેશન દ્વારા શહેરભરમાંથી મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના બોર્ડ-બેનરો અને ઝંડી-પતાકાને હટાવી દેવામાં આવ્યા હતા. છતાં પક્ષો દ્વારા પોતાના મોટા નેતાઓની જાહેર સભા અને રેલીના બોર્ડ-બેનરો ફરી મંજૂરી વિના લગાવી દેવામાં આવ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા આ અંગે આચાર સંહિતા ભંગ થતી હોવાની ફરિયાદ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસમાં જગ્યા રોકાણ શાખા દ્વારા 420 બોર્ડ-બેનર અને 488 ઝંડી-પતાકા દૂર કરી દેવામાં આવ્યા છે.
કોર્પોરેશનની હોર્ડિંગ્સ સાઇટ અને કિયોસ્ક રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે અપાશે
શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર આવેલી કોર્પોરેશનની હોર્ડિંગ્સ સાઇટ અને કિયોસ્ક સાઇટનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ રાજકીય દબાણના કારણે ભાજપ સિવાયના અન્ય કોઇ પક્ષને ચૂંટણી પ્રચાર માટે આપતી ન હોવાની ફરિયાદો ઉઠતા ગઇકાલે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા હોડિંગ્સ બોર્ડ સાઇટનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે અલગ-અલગ રાજમાર્ગો પર કોર્પોરેશનની જે 25 હોર્ડિગ્સ સાઇટ છે તેનો કોન્ટ્રાક્ટ કોઇ એજન્સીને આપવામાં આવ્યો નથી તે હોર્ડિંગ્સ સાઇટ અને 10 રાજમાર્ગો પર કિયોસ્ક બોર્ડ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવશે.