- આ રાજકોટ છે… બદલાતા સમયમાં આધુનિક સ્થાપત્યો વચ્ચે પણ જુની ધરોહરો જીવંત
- શહેરની આન-બાન-શાન સમી સ્થાપત્ય કલાના ઉત્તમ નમુના જેવી માર્કેટ કાળની થપાટો ઝીલીને આજે પણ ઉભી છે
રાજકોટ ન્યૂઝ : વસ્તી, વિસ્તાર અને વાહનોથી ફાટ ફાટ થતાં આજના મહાનગર એવા રાજકોટ શહેર પોતાના ચારસો વર્ષથી પણ વધુ સમયના અસ્તિત્વકાળ દરમ્યાન નગર નિર્માણ અને પ્રજાકિય સુવિધાના વિકાસના અનેક વિધ તબકકાઓ જોયા છે. નગર નિર્માણના માળખા અંતર્ગત પ્રજાલક્ષી સુવિધા માટે કેટલીયે ઇમારતો નિર્માણ પામી અને એ પૈકીની કેટલીક કાળની ચડતી પડતીના ચકરાવામાં નાશ પામી તો અમુક વર્ષો જુની ઇમારતો, સ્મારકો પોતાના અસ્તિત્વની સાથે સંકળાયેલા ઇતિહાસને સાચવીને આજેય ર્જીણક્ષિણ હાલતમાં કાળની થપાટો ઝીલતી શહેરમાં ઉભી છે તેમાં શહેરના બજાર વિસ્તાર ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી 90 વર્ષ જુની સર લાખાજીરાજ શાક માર્કેટ એક છે. નવ નવ દાયકા જુની આ શાક માર્કેટના ઇતિહાસથી તો ઠીક પણ તેના અસ્તિત્વથી યે ઘણા નગરજનો અજાણ છે. આજની તારીખે આ શાક માર્કેટ આઉટ ઓફ ડેટ લાગે પણ એક સમયના ખોબા જેવડા અને સાંજ પડયે ગઢની રાંગમાં કેદ થઇ જતાં રાજકોટની મુખ્ય શાક માર્કેટ હતી. એ સમયે આ શાક માર્કેટનો દબદબો હતો અને લોકો શાકભાજી ખરીદવા આ માર્કેટમાં ઉમટી પડતા.
ધર્મેન્દ્ર રોડ ઉપર પડતા આ શાક માર્કેટના મુખ્ય દરવાજાની ઉપર તેના નિર્માણનો સમય દર્શાવતી વિશાળ તકતી આજે પણ મોજુદ છે. એ નોંધ મુજબ સવંત 1990 અને ઇ.સ. 1934 માં આ માર્કેટનું નિર્માણ થયું હતું. અને તેની સાથે રાજકોટના તે સમયના પ્રજાવત્સલ રાજવી સર લાખાજીરાજ ન્યુ વેજીટેબલ શાક માર્કેટ એવું નામ અપાયું. એ પ્રવેશ દ્વારની અંદરના ભાગે પણ તેના નિર્માણની કથા વર્ણવતી નોંધ પોસ્ટર સ્વરુપે દિવાલ ઉપર રાખવામાં આવી છે. નોંધ મુજબ એ સમયના જુના રાજકોટના રૈયા નાકા ગેઇટની બહારના ભાગે બનાવવામાં આવી હતી. ગઢની રાંગની બહારના વિસ્તારની એ પ્રથમ મોર્ડન ઇમારત ગણાતી, તેની વિશાળ અને વિશિષ્ટ ઉંચાઇવાળી છત આજેય ઘ્યાનાકર્ષક રહી છે. તે સમયના કારીગરોની નિર્માણની કૌશલ્ય કળા પણ આ ઇમારતમાં આજેય પ્રતિબિબિત થાય છે. કાળની થપાયો ઝીલતી આ નેવું વર્ષ જુની શાક માર્કેટ આજે પણ અડીખમ ઉભી છે જો કે સમયની સાથે આ માર્કેટ ર્જીણક્ષિણ થઇ ગઇ છે. આજે પણ શાકભાજી અને ફળફળાદિના ધંધાર્થીઓ આ માર્કેટમાં ધંધો કરે છે, પણ અન્યત્ર શાક માર્કેટો થઇ જવાથી દૂર પડતી આ માર્કેટમાં લોકો હવે શાકભાજી ખરીદવા બહુ આવતા નથી. ગ્રાહકો આવતા ન હોવાથી ધંધાર્થીઓની સંખ્યા ઘણી ઘટી ગઇ છે, પણ તેના થડા આજેય મોજૂદ છે.
વર્ષો જૂની આ શાક માર્કેટમાં વેંચાતા શાકભાજી અને ફળફળાદીની ગુણવતા ખૂબ સારી હોય છે, એ બાબતથી જાણકાર લોકો દૂર પડતી હોવા છતાં હજુ આ માર્કેટમાં ખરીદી કરવા આવે છે. માર્કેટની બાજુમાં જ કંદોઇ બજાર, કરીયાણા બજાર, કાપડ માર્કેટ વગેરે વિવિધ વસ્તુઓની બજાર હોવાથી અહીં આખો દિવસ લોકોની ભીડ રહે છે. પણ શાક માર્કેટનો અડધાથી વધારે હિસ્સો ખાલીખમ રહે છે. શાક માર્કેટમાં પ્રવેશવાના સાત પ્રવેશ દ્વારો છે અને ચારેય દિશામાંથી આવતા ગ્રાહકો આ માર્કેટમાં પ્રવેશી શકે છે તે આ માર્કેટની વિશિષ્ટતા છે.
અમુક સ્થળોએ જૂના જમાનાના વડીલોનો મેળાવડો જામતો અને સૌ સુખ દુ:ખની વાતો કરી સમય પસાર કરતા એ સંભારણા તાજા કરી લોકો તે સમયના માર્કેટના દબદબાની યાદ તાજી કરે છે. વ્યકિત હોય, સંસ્થા હોય કે પછી ઇમારત હોય સૌને કાળની ચડતી પડતીના ચકરાવામાંથી પસાર થવું પડે છે. આ માર્કેટની આજની હાલત જોતાં તેના વધુ સારા પ્રજાલક્ષી ઉપયોગની બાબતમાં સંબંધકર્તા સત્તાધીશોએ વિચારવું જોઇએ.
ઇમારતને જો વાચા ફુટતી હોત તો આ માર્કેટ આવી કંઇક પંકિતઓ બોલત
કભી ગુલશન થા, વિરાં હો ગયા
બહારે ફીર ભી આતી થી
બહારે ફીર ભી આયેગી
એક સમયના ખોબ જેવડા અને સાંજ પડયે ગઢની રાંગમાં કેદ થઇ જતાં રાજકોટની આ શાક માર્કેટનો દબદબો હતો
આજુબાજુ કંદોઇ બજાર, કરિયાણા બજાર, કાપડ માર્કેટ વિગેરે વસ્તુઓની બજાર હોવાથી અહી આખો દિવસ લોકોની ભીડ રહે છે