ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કલ્પના કોટેજ નામની મિલકતની જાહેર હરરાજી શરૂ કરાય તે પૂર્વે જ આસામીએ વેરો ભરી દીધો
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી હાર્ડ રીકવરી અંતર્ગત આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૯૦ જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ૨ બાકીદારોના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા. આજે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કલ્પના કોટેજ નામની મિલકતની જાહેર હરરાજી હાથ ધરાય તે પૂર્વે જ મિલકત ધારકો વેરો ભરપાઈ કરી દેવાતા હરરાજી મોકુફ રાખવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના જામનગર રોડ પર રાઘવ હોલ સહિત ૩૩ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે રૂા.૩૦ લાખની વસુલાત થવા પામી છે. વેસ્ટ ઝોન વેરા વસુલાત શાખા દ્વારા ૩૧ મિલકતો સીલ કરાઈ હતી અને ૨ આસામીના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા છે. રૂા.૨૮.૯૬ લાખની વસુલાત થવા પામી છે. જ્યારે ઈસ્ટ ઝોનમાં ૨૬ મિલકતો સીલ કરાતા રૂા.૨૭ લાખની રીકવરી થઈ હતી. ૧ લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા બાકીદારો સામે આજી મિલકતની જાહેર હરરાજીનું શાસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે. આજે વોર્ડ નં.૭માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પર આવેલ કલ્પના કોટેજ નામની મિલકત પાસેથી રૂા.૬.૨૭ લાખનો બાકી વેરો વસુલવા માટે જાહેર હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે બાકી માંગણાની રકમ મિલકત ધારકે ભરપાઈ કરી દેતા હરરાજી મોકુફ રાખવામાં આવી છે.