દિક્ષા લઈને અનેક લોકો પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરતા હોય છે પરંતુ એવા વ્યક્તિ આપણે ખુબ ઓછા જોયા હોય છે જે નાની વયમાં મોહ-માય ત્યાગ કરીને ઈશ્વર ચિંધ્યા માર્ગે ચાલવા માંગતા હોય ત્યારે સુરતમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફક્ત ૯ વર્ષની બાળકીએ સંયમ સ્વીકાર્યું છે. તેના ભવ્ય વરઘોડામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા.
સુરતમાં માત્ર નવ વર્ષની દેવાંશીએ દોમ દોમ સાહ્યબી છોડીને દીક્ષા લીધી હતી. મંગળવારે દીક્ષાર્થીની ભવ્યાતિભવ્ય વર્ષિદાન યાત્રા નીકળી હતી. દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી.
હજારો વ્યક્તિ સુંદર રીતે દીક્ષા માણી શકે માટે વિશાળ રાજમહેલ જેવા મંડપમાં પેવેલીયન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. સુરતમાં જગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી.
દેવાંશી ઓળખાશે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી મહાસતીજી તરીકે
દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.
ત્યારે દેવાંશીએ આ બધી જ મોહમાયા છોડીને દિક્ષાનો માર્ગ અપનાવ્યો છે. દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દેવાંશીએ દીક્ષા લેતા હવે પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી મહાસતીજી તરીકે ઓળખાશે.
હજારો વ્યક્તિઓને બેસાડીને બહુમાન પૂર્વક જમાડવાની વ્યવસ્થા દેવાંશીના પરિવાર માલગાવ નિવાસી ભેરુમલજી હકમાજી સંઘવી પરિવારે ગોઠવી હતી. સદા ખિલખિલાટ હસતી નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી ,બહુ જ જ્ઞાન મેળવી બહુ જ સમજણપૂર્વક સંસાર છોડ્યો છે. વિશાળ પરિવારમાં ઉછરેલી દીકરીનો ત્યાગ ખરેખર આ જગતનને સાચા સુખના માર્ગનો સાચો સંદેશ અને ઉદાહરણ છે. દીક્ષા યુગપ્રવર્તક ..બાળ દીક્ષા સંરક્ષક જેનાચાર્ય શ્રી વિજય પ.પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ આઠ દાયકા સુધી જે દીક્ષાના રક્ષણ માટે લોહી પાણી એક કર્યા એનું સુખદ પરિણામ જાણે આ રંગેચંગે થતી દીક્ષા છે.
દેવાંશીનો પરિચય:
૯ વર્ષની ઉંમરે દિક્ષા લેનાર બાળકીનું નામ દેવાંશી ધનેશ ભાઈ સંઘવી છે. દેવાંશીમાં જન્મતાની સાથે જ દીક્ષાના સંસ્કાર મળ્યા છે. માતા અમીબહેને એના જન્મ બાદ તરત જ નવકાર સંભળાવ્યો હતો અને એ પછી અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના કાન અને જીવનને પવિત્ર કરતા રહ્યા.
ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા. આ ઉપરાંત એણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યા. આટલી ઉંમરમાં તેણે 10 -12 નહિ પણ પૂરા 367 દીક્ષાના દર્શન કર્યા છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્વાર્થના અઘ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે.
દેવાંશીને ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે . તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ છે. યોગનાં અનેક આસાન કરી જાણે છે. આમ સર્વગુણ સંપન્ન અને દોમ દોમ સાહ્યબી છોડીને દેવાંશી પુષ્કળ અભ્યાસ બાદ દીક્ષા માર્ગે ગઈ છે. વિદાય સમારોહમાં સંવેદના વખતે એણે સાચું જ કીધુ હતું કે, હું સિંહનું સંતાન છું…અને સિંહની જેમ દીક્ષા લઇ રહી છું..અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.