આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનના આતંકીએ સુરક્ષા જવાનોના કાફલા સાથે બાઇક અથડાવી બોમ્બ ધડાકો કર્યો: 20 ઘાયલ
પાકિસ્તાનના હૈયાના કર્યા હાથે વાગી રહ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક આત્મઘાતી બોમ્બરે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં સુરક્ષા કાફલાને નિશાન બનાવ્યું હતું. જેમાં 9 સૈનિકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા છે.
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સએ જણાવ્યું હતું કે બાઇક સવાર આત્મઘાતી બોમ્બરે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં કાફલાને નિશાન બનાવ્યું હતું. ટીટીપીએ હુમલાની જવાબદારી લીધી હતી. ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન હુમલાખોરે તેમનું બાઇક કાફલામાં સામેલ દળોના વાહનો સાથે અથડાવ્યુ હતું, જેમાં 9 સૈનિકોના મોત થયા હતા અને 20 સૈનિકો ઘાયલ થયા હતા. હુમલા પછી, સુરક્ષા અધિકારીઓ તરત જ વિસ્ફોટ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. નિવેદન અનુસાર, હુમલાના દોષિતોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરે હુમલાની નિંદા કરી હતી. તેમણે આવી કૃત્યોને સંપૂર્ણપણે નિંદનીય ગણાવી અને કહ્યું કે તેમની સંવેદના માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનની સરહદ નજીક ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટમાં 11 મજૂરો માર્યા ગયા હતા.