ધ્રાંગધ્રા સિટી પોલીસે હાથીખાના વિસ્તારમાં રેડ પાડી છ શખ્સોને જુગાર રમતા રૂ. 6 હજારના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ખાદીભંડાર પાસે દરોડો કરી જુગાર રમતા 3 શખ્સોને રૂ. 9 હજારના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા શહેરના હાથીખાના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મુબારકભાઈ વલીભાઈ સંધી, દાઉદભાઈ દીલાવરભાઈ મીરા, અશરફભાઈ રસુલભાઈ સંધી, યુનીશભાઈ રહીમભાઈ વળદરીયા, અફતાબભાઈ ઉમંરભાઈ ઘાંચી અને મોહશીનભાઈ સંધીને ગુડદી પાસાનો જુગાર રમતા રોકડા રૂ.3740 અને બે મોબાઈલ સહિત રૂ.6 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય રેડમાં શહેરના ખાદીભંડાર પાસે જુગાર રમતા જીગરભાઈ કિશોરભાઈ પુજારા,મુકેશભાઈ ચમનભાઈ જાદવ અને પુનીતભાઈ પરમારને ઝડપી પાડી રૂ.5100 રોકડા 4 મોબાઇલ સહિત રૂ.9 હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા.
સિટી પોલીસે કુલ 9 શખ્સોને રૂ.15 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુ.નગર જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાના તાલુકાઓમાં જુગારની બદી ઘર કરી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ જુગાર રમતા તત્વોને ઝડપી લેવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિને ડામી દેવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને પગલે પોલીસે બાતમીદારોને સક્રિય કરી જુગાર રમતા જુગારીઓને ઝડપી લેવામાં સક્રિય બની છે. જેના ભાગરૂપે ધ્રાંગધ્રામાંથી જુગારી ઝડપાયા હતા.