બીજા બનાવમાં વઢવાણ પાસે કાર અને શટલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

જુનાગઢથી પરિક્રમા કરી અતુલ રીક્ષામાં પાટડી જતા પરિવારને ડોળીયા પાસે આઇસરના ચાલકે હડફેટે લેતા રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં એક મહિલા સહિત પાંચ વ્યકિતને ઇજા હતી. જ્યારે વઢવાણ સીએનજી પંપ પાસે કાર અને શટલ રિક્ષા વચ્ચે અકસ્માત થતા ચાર લોકો ઘાયલ થયા હતા.

જુનાગઢથી પરિક્રમા કરી પોતાની અતુલ રીક્ષા લઇ પાટડીના કચોલીયા ગામના ધર્મેન્દ્રકુમાર ભાગવતદાસ સાધુ અને ત્રીભોવનભાઇ ભુપતભાઇ ઠાકોર, ગજરાબેન કરશનભાઇ ઠાકોર, નોંધાભાઇ ઉકાભાઇ અને વિરાભાઇ મેવાભાઇ સહિત પરિવારજનો પોતાના વતન તરફ રીક્ષામાં બેસીને જઇ રહયા હતા. આ દરમિયાન ડોળીયા પાસે પાછળથી પુર ઝડપે આવતા આઇસરના ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલટી મારી ગઇ હતી.

આથી આજુબાજુના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અને ૧૦૮ને જાણ કરતા તમામને સાયલા દવાખાને લઇ જવાયા હતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. જેમાં રીક્ષા ચાલક ધર્મેન્દ્રભાઇને જમણા પગે અને કેડના ભાગે ઇજા થઇ હતી. જ્યારે ગજરાબેનને શરીરે અને મોઢાના ભાગે અને ત્રિભોવનભાઇને માથાના ભાગે ઇજા થતા અમદાવાદ લઇ જવાયા હતા.

જયારે નોંધાભાઇ અને વિરાભાઇને સામાન્ય ઇજા થઇ હતી. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વઢવાણ કોઠારીયા રોડ પર સુડવેલ સોસાયટી સીએનજી પંપ પાસે કાર અને શટલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સાથે અથડાયેલા આ વાહનોમાં કાર રસ્તાના ડિવાઇડરની વચ્ચે જ ઠેરાઇ ગઇ હતી. આ બનાવમાં ૪ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે દવાખાને લઇ જવાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.