કુંવરજીભાઈ બાવળીયાનાં રાજીનામાની રાજકોટ જિલ્લા પંચાયતના શાસનને કોઈ અસર નહિ થાય: ૯ પૈકિ ૮ સભ્યો જિલ્લા પંચાયત કચેરીએ, ૧ સભ્ય પોતાના ઘરે
આજે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરીયો ધારણ કર્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતનાં ૯ સભ્યો કુંવરજીભાઈના સમર્થક હોવાથી તેઓ પણ ગાંધીનગર ગયા હોવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ હકિકતમાં બાવળીયા જુથના ૮ સભ્યો જિલ્લા પંચાયત કચેરીએ અને ૧ સભ્ય ઘરે હોવાનું સામે આવ્યું છે. આ નવેય સભ્યએ પોતે કોંગ્રેસને વફાદાર રહેશે તેવું જણાવ્યું હતુ.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કુંવરજી બાવળીયા જુથનાં ૯ સભ્યો છે. જેમાં વજીબેન રામભાઈ સાંકળીયા ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા, રાણીબેન બચુભાઈ સોરાણી, હંસાબેન મનજીભાઈ ભોજાણી, મગનભાઈ મેટાળીયા, હેતલબેન રણજીતભાઈ ગોહિલ, અવસરભાઈ નાકીયા, વાલીબેન કાળુભાઈ તલાવડીયા અને વીનુભાઈ ધડુકનો સમાવેશ થાય છે.
બાવળીયા જુથનાં આ નવ સભ્ય ગાંધીનગર ગયા હોવાની અટકળો વહેતી થઈ હતી પરંતુ હકિકતમાં નવ પૈકી આઠ સભ્યો જિલ્લા પંચાયત કચેરીએ હાજર હતા. જયારે વીનુભાઈ ધડુક પોતાના ઘેર હતા. બાવળીયા જુથનાં તમામ જિલ્લા પંચાયતનાં સભ્યોએ કોંગ્રેસને વફાદાર રહેવાનો સૂર વ્યકત કર્યો હતો.