કોરોનાના કપરાકાળમાં જ્યારે લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે ત્યારે સરકારે પણ અમૂક નિર્ણયો લીધા છે જેમાં લોકડાઉન અને કોરોના દરમિયાન કોઈપણ સરકારી કચેરીમાં નવા ફર્નિચર કે રિનોવેશન કરવા પર સ્પષ્ટ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ જાણે જામનગર જિલ્લા પંચાયતને સરકારનો આ નિયમ લાગુ પડતો નથી તેમ તેણે છડેચોક તેનો ભંગ કરી 9 લાખના ખર્ચે ડીડીઓ, કાર્યપાલક ઈજનેર સહિતની કચેરીઓને રિનોવેટ કરાવીને ચકચકાટ બનાવી નાખી છે.
આ રિનોવેશન માટે ન કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કે ન ઉપરથી કોઈ મંજૂરી લેવામાં આવી છે.કોરોનાના કપરાકાળમાં જ્યારે તમામ ક્ષેત્રો આર્થિક બદહાલીથી ઝઝૂમી રહ્યા છે ત્યારે સરકારે પણ કોરોનાકાળમાં અમૂક નિર્ણયો લીધા છે જેમાં હાલ તુરંત તમામ સરકારી કચેરીઓમાં રિનોવેશન કે ફર્નિચરના કામ પર મનાઈ ફરમાવવામાં આવી છે.
પરંતુ જિલ્લા પંચાયતને જાણે આ નિયમ લાગુ ન પડતો હોય તેમ તેમણે ડીડીઓ કચેરી, કાર્યપાલક ઈજનેર (બાંધકામ), પીબી (બાંધકામ બ્રાંચ), નાયબ કાર્યપાલક ઇજનેર ચેમ્બરને રિનોવેશન કરીને તેની સકલ બદલી નાખી રૂા.9 લાખના ખર્ચે કરવામાં આવેલું રિનોવેશન વગર ટેન્ડરે કરવામાં આવ્યું છે જેની જવાબદારી હવે કોઈ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે જિલ્લા પંચાયતમાં કોરોનાકાળ દરમિયાન રિનોવેશન અને વગર ટેન્ડરે થયેલા આ કામની ચર્ચાએ ભારે ચકચાર મચાવી છે.આ અંગે રિનોવેશન અને ફર્નિચર ન કરવું તે બાબતનો પરિપત્ર તા.31-3-2021 સુધીનો હતો તે પછી સરકારમાંથી કોઈ જાતની સૂચના આવી નથી. તેમ અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા જણાવે છે.
વહીવટી મંજૂરી મેળવી છે: કાર્યપાલક ઈજનેર
અમે લોકોએ ફર્નિચર બનાવ્યું નથી, ફક્ત જરૂરી કામ કરાવ્યું છે. ચેમ્બરો રિનોવેશન ન ગણી શકાય. અમે ડીડીઓની વહીવટી મંજૂરી મેળવી છે. જિલ્લા પંચાયતમાં રીનોવેશન કરાયેલી આ ચેમ્બરો કરવી અત્યંત જરૂરી હતી. કારણ કે, પાણી ભરાવાનો પ્રશ્ન થતો હતો. આર.ડી. ડામોર, કાર્યપાલક ઈજનેર, બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.