ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘો મન મુકીને વરસે છે ત્યારે સૌરાષ્ટ્રમાં હજી વાવણીલાયક વરસાદની રાહ
છેલ્લા ત્રણ દિવસથી ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ હજી પ્રથમ અને વાવણીલાયક વરસાદનો કાગડોળે ઈંતજાર કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૬ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓ સંપૂર્ણપણે કોરા ધાકોડ રહ્યા છે તો કચ્છમાં હજુ સુધી મેઘરાજાની પાવનકારી પધરામણી પણ થવા પામી નથી.
આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં નોંધપાત્ર કહી શકાય તેટલો ૨૬ મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત ઘોઘામાં ૪ મીમી, બોટાદ જિલ્લાના બરવાળામાં ૮ મીમી, અમરેલીના જાફરાબાદમાં ૪ મીમી અને જુનાગઢના માળીયામાં માત્ર ૨ મીમી જેટલો વરસાદ પડયો છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં સોમવારે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો પરંતુ મેઘરાજાએ હેત વરસાવવામાં ભારે કરકસર દાખવી હતી. સૌરાષ્ટ્રમાં આજસુધીમાં મોસમનો કુલ ૧.૪૩ ટકા જ વરસાદ વરસ્યો છે.
વર્ષોથી કાયમી પાણીની હાડમારી વેઠતા કચ્છમાં જુન માસ વિતવા પર હોવા છતાં હજુ સુધી વરસાદનો એક છાંટો પણ પડયો નથી. હવામાન વિભાગે આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ચોકકસ આપી છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ હવે કાગડોળે મેઘરાજા કૃપા વરસાવે તેવી વાટ જોઈ રહ્યા છે.
વરસાદ ખેંચાવવાના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પાણીની કારમી હાડમારી ઉભી થવા પામી છે ત્યારે મેઘરાજા મહેર કરે તેવી આજીજી સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યા છે.