કમોસમી વરસાદે યાત્રાધામમાં તારાજી સર્જી: મૃત્યુઆંક વધવાની સંભાવના: સ્થાનિકો અને તંત્ર દ્વારા દટાયેલા લોકોને બચાવવા રેસ્ક્યું હાથ ધરાયું
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા દર્શન કરવા આવેલા આઠ શ્રદ્ધાળુઓ ઉપર પથ્થરોની શિલાઓ પડતા તેઓને ગંભીર ઈજા પોહચતા ઈજા પહોંચી હતી. જ્યારે એક વ્યક્તિના મોત થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે. બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઉભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતા 3 મહિલાઓ, 3 પુરુષો અને બે બાળકો ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા .
મળતી વિગતો મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા હતા. આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ વરસતા આ રેન બસેરા નીચે કેટલાક યાત્રિકો વરસાદથી બચવા આશરો લઈ ઉભા હતા. તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના સમાચાર મળ્યા છે. પથ્થરોની ભારે શિલાઓ નીચે દબાયેલા ત્રણ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકો પૈકી એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી.
દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડ્યા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ સભ્યો એક જ પરિવારના હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.