૭ દિવસમાં ફુડ લાયસન્સ નહીં લે તો કોર્ટમાં કેસ દાખલ કરાશે: ડો.પી.પી.રાઠોડ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં ૯ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને ફુડ લાયસન્સ મેળવી લેવા માટે નોટીસ ફટકારવામાં આવી છે જો ૭ દિવસમાં ફુડ લાયસન્સ નહીં લેવામાં આવે તો આ હોટલ કે રેસ્ટોરન્ટ સામે કોર્ટ કેસ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની કલમ ૩૧ (૧)ની જોગવાઈ મુજબ દરેક ફુડ બિઝનેશ ઓપરેટરે ફુડ લાયસન્સ મેળવવું ફરજીયાત છે. ધંધો શરૂ કર્યાના ૬ માસમાં ફુડ લાયસન્સ મેળવવામાં ન આવે તો કલમ ૬૩ મુજબ પાંચ લાખ સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે. આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રોડકશન યુનિટમાં ફુડ લાયસન્સ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કાલાવડ રોડ પર ભીમનગર મેઈન રોડ પર લંડન કેરી, રીવેરા વેવમાં ક્રિપ્સી બન્સ, મેરાકિડેનીશ કોફી બાર, કાલાવડ રોડ પર ડેકોરા કેપીટલમાં ધ ફુડ સ્મિત, પીઝા હર્ટ, વાવડીમાં ફેની ફુડ પ્રોડકટ, બાલાજી ફુડ, ધવલ ગૃહ ઉધોગ અને જયોતિનગર મેઈન રોડ પર રશિયા રેસ્ટોરન્ટ સહિત ૯ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૮ હોટલ-રેસ્ટોરન્ટ કે પ્રોડકશન યુનિટ પાસે ફુડ લાયસન્સ ન હોવાના કારણે અને ધ ફુડ સ્મિતમાંથી એકસપાયર્ડ ફુડ આઈટમનો જથ્થો મળી આવતા નોટીસ ફટકારવામાં આવી છે.
જો ઉકત હોટલ, રેસ્ટોરન્ટ કે પ્રોડકશન યુનિટ ૭ દિવસમાં ફુડ લાયસન્સ મેળવવા માટે પ્રક્રિયા નહીં કરે તો તેની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.