અમદાવાદ 42.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી: રાજકોટનું તાપમાન 41.1 ડિગ્રી: ઉકળાટ પણ યથાવત
રવિવારના દિવસે રવિ અર્થાત્ સુર્યનારાયણ થોડા આકરા મીજાજે રહ્યા હતા. રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રીથી લઇ 42.8 ડિગ્રી નોંધાયુ હતું. 41.1 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર નોંધાયુ હતું. આકરા તાપ વચ્ચે અસહ્ય ઉકળાટ પણ યથાવત રહ્યો હતો.
ઉનાળાની સિઝનમાં મે માસમાં સુર્યનારાયણ આકાશમાંથી સતત અગ્નીવર્ષા કરી રહ્યા છે. જો કે ગત સપ્તાહે વાતાવરણમાં થોડી રાહત રહેવા પામી હતી. જો કે, ભેજનું પ્રમાણ વધુ રહેવાના કારણે પરસેવે રેબઝેબ કરી દેતા બફારાથી જનજીવન સતત નિરતું રહ્યું હતું. ગઇકાલથી ફરી ગરમીનું જોર વધ્યું છે. રાજકોટમાં ગઇકાલે મહત્તમ તાપમાનનો પારો 41.1 ડિગ્રીએ પહોંચી ગયુ હતું. રાજકોટ-સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાષતા હતા. જાણે સ્વયંભૂ સંચારબંધી લાદી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. રવિવારની રજામાં રાજકોટવાસીઓ બપોરના સમયે ઘરમાં જ પુરાય રહ્યા હતા. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 33.3 ડિગ્રી, ઓખાનું તાપમાન 33.9 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.9 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.9 ડિગ્રી, દિવનું તાપમાન 33 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.8 ડિગ્રી અને કેશોદનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ હતું.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 42.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 40.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 34.2 ડિગ્રી, વલસાડનું તાપમાન 34.5 ડિગ્રી, દમણનું તાપમાન 33.4 ડિગ્રી, ભુજનું તાપમાન 38.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.8 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું તાપમાન 40.1 ડિગ્રી નોંધાયુ હતું.
આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે. ગરમીના જોરમાં સામાન્ય વધારો થાય તેવી શક્યતા પણ જણાય રહી છે. ગુજરાતમાં 20મી જૂન બાદ નૈઋત્યના ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હજી એક મહિનો ગુજરાતવાસીઓએ ગરમીમાં શેકાવુ પડશે.
ક્યાં શહેરનું કેટલુ તાપમાન
- અમદાવાદ : 41.8 ડિગ્રી
- ગાંધીનગર : 41.8 ડિગ્રી
- વલ્લભ વિદ્યાનગર : 41.2 ડિગ્રી
- વડોદરા : 40.2 ડિગ્રી
- રાજકોટ : 41.1 ડિગ્રી
- સુરેન્દ્રનગર : 41 ડિગ્રી
- અમરેલી : 40.8 ડિગ્રી
- કંડલા : 40.1 ડિગ્રી
- કેશોદ : 36.4 ડિગ્રી
- ભૂજ : 38.2 ડિગ્રી
- વેરાવળ : 33.9 ડિગ્રી