બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર
વીજળીનો પુરવઠો ન ખોરવાય અને એસટીના રૂટને અસર ન પહોંચે તેની તકેદારી રખાશે, આરોગ્યની 56 ટિમ તૈનાત રહેશે, દરેક કેન્દ્ર ઉપર ફર્સ્ટ એડ કીટ હશે : સીસીટીવી માટે દરેક કેન્દ્રમાં એક એક અધિકારીને જવાબદારી સોપાશે
અમરનગર,પડધરી, ગોંડલ,ભાયાવદર, જામકંડોરણા, વીંછીયા, આંબરડી અને વાંગધ્રા સહિતના કેન્દ્ર સંવેદનશીલ જાહેર, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત મુકાશે
ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 9 કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો ઉપર ક્લાસ 1-2 અધિકારી સ્ટેન્ડ ટુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તારીખ રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, બોર્ડના અધિકારીઓએ આજે રાજ્યના ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાનો એક્શન પ્લાન જાહેર કર્યો છે.
રાજકોટ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો, બેઠક વ્યવસ્થા સહીતની બાબતોની સમીક્ષા માટે કલેકટર અરુણ મહેશ બાબુએ પણ આજે મિટિંગ લીધી હતી.
14 માર્ચે લેવાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરવા આજે સવારે 11 કલાકે શિક્ષણમંત્રીની હાજરીમાં કોન્ફરન્સ યોજાઈ હતી. રાજકોટ જીલ્લામાં ધોરણ 10ના 47,606, ધોરણ 12 સાયન્સના 7069, ધોરણ 12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓ 514 અને ધોરણ 12 કોમર્સના 29,744 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી.
આ પરીક્ષા માટે સીસીટીવી કેમેરાવાળા બિલ્ડિંગો જ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિના બનાવો ન બને તે માટે સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સ્થાનિક અને બોર્ડની સ્ક્વોડ આ પરીક્ષામાં સ્ટેન્ડ ટુ રહેશે. કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવશે. શિક્ષણબોર્ડે પરિક્ષા પહેલા શિક્ષકોના પેપર ચેકિંગ કરવાના ઓર્ડર પણ ઇશ્યુ કરી દીધા છે.
જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ કાર્યરત છે. ઉપરાંત સભ્યો તરીકે ડીડીઓ દેવ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસપી જયપાલસિંહ રાઠોડ, અધિક કલેકટર કે.બી. ઠક્કર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા કાર્યરત છે.
આ સમિતિ દ્વારા આજે 9 કેન્દ્રોને સંવેદનશિલ જાહેર કર્યા છે.જેમાં અમરનગર, પડધરી, ગોંડલ,ભાયાવદર, જામકંડોરણા, વીંછીયા, આંબરડી, વાંગધ્રાનો સમાવેશ થાય છે. આ તમામ કેન્દ્રો ઉપર ક્લાસ-1 અને 2ના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવનાર છે.
પરીક્ષા કેન્દ્રોમાં વીજળીનો પુરવઠો ન ખોરવાય અને એસટીના રૂટને અસર ન પહોંચે તેની તકેદારી રાખવાનો આદેશ કરવામા આવ્યો છે. પરીક્ષા વેળાએ આરોગ્યની 56 ટિમ તૈનાત રહેશે આ ઉપરાંત દરેક કેન્દ્ર ઉપર ફર્સ્ટ એડ કીટ રાખવામાં આવશે. વધુમાં સીસીટીવી માટે દરેક કેન્દ્રમાં એક એક અધિકારીને જવાબદારી પણ સોપાશે.
રાજ્યભરમાં 14મી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર અને શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. એ સાથે પોલીસ અને અન્ય સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ અનેક સ્થળોએ જુદા જુદા વર્ગ યોજવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇને પોલીસ સહિત તમામ તંત્ર સજ્જ થઈ ગયા છે.
ઝોન વાઈઝ કેન્દ્રોનું થશે સંચાલન
રાજકોટ જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષાના – સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 05 ઝોન અને માધ્યમિક પરીક્ષા-05 ઝોન રાખવામાં આવ્યા છે. એચ.એસ.સી પરીક્ષાની 03 ઝોનની ઝોનલ કચેરી – કરણસિંહજી હાઈસ્કુલ, રાજકોટ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની 1 ઝોનની ઝોનલ કચેરી- ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી અને સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની 01 ઝોનની ઝોનલ કેચેરી- મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે. એસ.એસ.સી પરીક્ષાની 1 ઝોનની ઝોનલ કચેરી – જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ,રાજકોટ અને 02 ઝોનની ઝોનલ કચેરી – બાઈ સાહેબબા ગર્લ્સ હાઈ.,રાજકોટ તથા 01 ઝોનની ઝોનલ કચેરી – ભગવતિસંહજી હાઈસ્કૂલ, ધોરાજી અને 01 ઝોનનો ઝોનલ કચેરી – મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.
ટાઇમ ટેબલ
ધો.10
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
ધો.12 (સામાન્ય)
- 14 માર્ચ- નામના મૂળતત્વ
- 15 માર્ચ- તત્વ જ્ઞાન
- 16 માર્ચ- આંકડાશાસ્ત્ર
- 17 માર્ચ- અર્થશાસ્ત્ર
- 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
- 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
- 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
- 25 માર્ચ- હિન્દી
- 27 માર્ચ- કોમ્પ્યુટર
- 28 માર્ચ- સંસ્કૃત
- 29 માર્ચ- સમાજ શાસ્ત્ર
ધો.12 ( સાયન્સ)
- 14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
- 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
- 18 માર્ચ- જીવ વિજ્ઞાન
- 20 માર્ચ- ગણિત
- 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
- 25 માર્ચ- કોમ્પ્યુટર
પરીક્ષા | કેન્દ્રો | બિલ્ડીંગ | બ્લોક | વિદ્યાર્થીઓ |
ધો.10 | 41 | 175 | 1587 | 47610 |
ધો.12 (સા.) | 20 | 20 | 946 | 28380 |
ધો.12 ( સાયન્સ) | 6 | 36 | 383 | 7660 |
કુલ | 67 | 319 | 2916 | 83650 |