ઓરેવા અને સરકારી તંત્રના જવાબદારોને બચાવવાના હિન પ્રયાસ
મોરબીના ઐતિહાસીક ઝુલતા પુલ તૂટી પડવાના ગોજારી દુર્ઘટના અંગે પોલીસે મેનેજમેન્ટ અને મેઈન્ટેન્સ સંચાલકોનાં નામ જાણતા હોવા છતા ઈન ડાયરેકટ બચાવ કરી ફરિયાદ નોંધયા બાદ નવ શખ્સોને જવાબદાર ઠેરવી નાના માછલાઓની ધરપકડ કરી સંતોષમાની લીધો છે. આ ગોજારી ઘટનામાં જવાબદાર ગણાતા મોટા માથાઓને બચાવવા પોલીસની બેધારી નીતિ સામે રોષ ભભુકી રહ્યો છે. ઓરેવા અને સરકારી તંત્રના જવાબદારોને બચાવવાના પોલીસના હિન પ્રયાસ અંગે પણ તરેહ તરેહની ચર્ચાએ ચકચાર જગાવી છે.
મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝૂલતો પુલ ધરાશાય થતા આશરે 134થી વધુ લોકોના મૃત્યુ થયા છે તથા 100 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી છે. જે બાબતે પોલીસ એક્શનમાં આવી છે. જેમાં પોલીસે પૂછપરછ બાદ નવ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધરાશાયી થતા પુલ ઉપરના આશરે 250 થી 300 જેટલા પર્યટકો મચ્છુ નદીના પાણીમાં પડી જવાથી તેઓને બચાવ તથા રાહત કાર્ય તાત્કાલીક કરવા સરકાર તરફથી સુચના કરાતા તેમજ બનાવની ગંભિરતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ બનાવ સ્થળની વિઝીટ લઇ તેમજ ઇજાગ્રસ્તોને અસરકારક અને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તથા પોલીસ તંત્રને સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ તથા અન્ય વહીવટી તંત્ર, નગરપાલીકા, સામાજીક સંસ્થાના માણસો તથા સેવાભાવી તરવૈયાઓ દ્વારા તેમજ હોડકા, દોરડા રસ્તા મારફતે બચાવ અને રાહત કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરાવી 108 તથા સરકારી/નગી એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલીક મોરબી સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં સારવાર અર્થે મોકલવા તજવીજ કરેલ હતી. ઝૂલતા પુલનું અવારનવાર સરકાર દ્વારા અલગ અલગ ખાનગી એજન્સીઓ મારફત સમારકામ, મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે સોપી લોકોનું આનંદ પ્રમોદનું સ્થળ કાર્યરત રાખવામાં છેલ્લા આઠેક માસથી મેન્ટેનન્સ અર્થે આ પુલ બંધ હતો.
જે ઝૂલતા પુલનું મેન્ટેનન્સ, સમારકામ પૂર્ણ થતા ગત તા.26/10/2022ના રોજ લોકો માટે પુલ ખુલ્લો મુકવામાં આવેલ હતો. તાજેતરમાં દિવાળીના તહેવારના દિવસો અનુસંધાને લોકોની વધુ ભીડ રહેતી હોય અને પુલ મેંન્ટેનન્સના તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાસાઈ થયેલ હોય જેથી આ બાબતે સરકાર તરફથી મોરબી સીટી બી ડિવીઝન પીલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ફરીયાદી બન્યા હતા જેઓએ મચ્છુ નદી પર આવેલ ઝુલતા પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓ વિરૂધ્ધ ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવ્યો હતો.
બનાવની ગંભીરતા તેમજ સરકારની સુચના અનુસાર રાજકોટનાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવે બનાવમાં સંડોવાયેલ આરોપીઓને હસ્તગત કરવા મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબનાઓને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાને સોપી ગુનામાં સંડોવાયેલ જવાબદારો વિરૂધ્ધ તાત્કાલીક અસરકારક કામગીરી કરી હસ્તગત કરવા અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલ જવાબદારો પૈકી દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપીયા, માદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ કુલ-9 ઇસમોને ગણતરીના કલાકોમાં હસ્તગત કરવામાં સફળતા મેળવી છે. જે ઇસમો વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ સંડોવાયેલ વધુ ઇસમો વિરૂધ્ધ એક એસ.એલ. તથા એસ.આઇ.ટી. ની સુચના અને માર્ગદર્શન મુજબ સચોટ પુરાવા મેળવી વધુ આરોપીઓ હસ્તગત કરવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જયસુખ પટેલ વિશે ‘ન બોલવામાં નવ ગુણ’ની માફક મૌન સીવી લીધું
મોરબી જુલતો પુલ તૂટવાની ઘટનામાં પોલીસે 24 કલાક પૂર્વે જ 9 લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં અજંતા ઓરેવા ગ્રુપના 2 મેનેજર, રિપેરિંગના કોન્ટ્રાક્ટર પિતા-પુત્ર, ટીકીટ ક્લાર્ક અને સિક્યુરીટી ગાર્ડનો સમાવેશ થાય છે. પરંતુ નવા વર્ષના દિવસે પુલનું ઉદ્ઘાટન કરીને પુલને 15 વર્ષ સુધી ખરોચ પણ નહીં આવે તેવો દાવો કરનાર જયસુખ પટેલના નામ માત્રનો પણ પોલીસે ઉલ્લેખ કર્યો નથી. આરોપીઓની ધરપકડ બાદ પત્રકાર પરિષદનું સંબોધન કરતા રેન્જ આઈજી અધોક યાદવે કહ્યું હતું કે, અમે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી આવી ઘટનામાં દાખલો બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરાંત માનવતા માટે મોરબી પોલીસના એક-એક વ્યક્તિએ કામ કર્યુ હતું. ત્યારે ઓરેવા કંપનીના જયસુખ પટેલનું નામ ન આવતા સવાલો ઊભા થયા હતા. જયસુખ પટેલની ધરપકડ સામે પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. દુર્ઘટનામાં આરોપી હશે તેની સામે કાર્યવાહી કરાશે. તેવા જૂના જવાબોની કેસેટ વગાડી હતી.
પોલીસે ઓરેવાના બે મેનેજરની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો. જ્યારે પોલીસે જયસુખ પટેલ વિશે ’ન બોલવામાં નવ ગુણ’ની માફક મૌન સીવી લીધું હતુ. જેથી મોટી માછલીને છોડી અન્ય 9 ની ધરપકડ કરાઇ હોવાનો લોકોમાં ગણગણાટ ઊભો થયો હતો.