સૌરાષ્ટ્રના 1,55,342 પરિક્ષાર્થીઓ: ઉમેદવારો માટે એકસ્ટ્રા ટ્રેન અને બસો દોડાવાશે, વિવિધ સમાજ દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાય: તંત્ર માટે મોટો પડકાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની ખાલી પડેલી 1181 બેઠકો માટે આવતીકાલે રવિવારે રાજ્યના અલગ-અલગ 2995 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. સરકારી નોકરી મેળવવા માટે 9.50 લાખથી પણ વધુ ઉમેદવારો કસોટીમાં પોતાનું નસીબ અજમાવશે. પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસ તથા ટ્રેન દોડાવવામાં આવશે. જૂનિયર ક્લાર્કની પરીક્ષા 29મી જાન્યુઆરીના રોજ લેવાની હતી પરંતુ પેપર લીક થવાના કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્ કરી દેવામાં આવી હતી. પરીક્ષા નિવિઘ્ને પૂર્ણ થાય તે વહિવટી તંત્ર માટે મોટો પડકાર બની રહેશે. કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાઓ ખંડમાં મોબાઇલ ફોન પણ પાસે રાખી શકશે નહિં.

સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જિલ્લાના 1,55,342 વિદ્યાર્થીઓ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના 150 બિલ્ડીંગના 442 બ્લોક પર 43260 ઉમેદવારો પરીક્ષા આપશે.જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં 23,220 જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે. ત્યારે જિલ્લામાં આ પરીક્ષા સૂચારૂં રીતે યોજાય તે માટે 136 અધિકારી, પરીક્ષા કેન્દ્રોવાર એક નિરિક્ષક એટલે કે, 79 બોર્ડના પ્રતિનિધિ, અંદાજિત 1439 જેટલા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ પરીક્ષાલક્ષી ફરજો બજાવશે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 430 પોલીસ સ્ટાફને પણ પરીક્ષાલક્ષી બંદોબસ્તની ફરજો સોંપવામાં આવી છે. ઉપરાંત સિનિયર કક્ષાના બે અધિકારીઓ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર વાર એક નિરીક્ષક સીસીટીવીના માધ્યમથી પરીક્ષા પ્રક્રિયા ઉપર નજર રાખશે. ઉપરાંત 15 જેટલી ફ્લાઈંગ સ્કોડની ટીમ પણ વિવિધ કેન્દ્રો પર જઈ પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. પરીક્ષાર્થીઓની પરિવહન વ્યવસ્થા માટે 234 જેટલા એસટી બસના રૂટ ફાળવવામાં આવ્યાં છે. સાથે જ આ માટે એક હેલ્પ ડેસ્ક પણ કાર્યરત રહેશે. ઉપરાંત પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે પીજીવીસીએલ સાથે સંકલન સાધવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાની 95 બિલ્ડીંગના 897 બ્લોકમાં 26882 ઉમેદવારો, મોરબી જિલ્લામાં 68 બિલ્ડીંગોના 704 બ્લોકમાં 21120 પરીક્ષાર્થીઓ, અમરેલી જિલ્લામાં 64 બિલ્ડીંગોના 675 બ્લોકમાં 20250 પરીક્ષાર્થીઓ, પોરબંદર જિલ્લામાં 36 બિલ્ડીંગના 349 બ્લોકમાં 10470 પરીક્ષાર્થીઓ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 41 બિલ્ડીંગના 338 બ્લોકમાં 10140 પરીક્ષાર્થીઓ જૂનીયર ક્લાર્કની પરીક્ષા આપશે.

રાજ્યના 2995 કેન્દ્રો પર જૂનિયર ક્લાર્કની માત્ર 1181 જગ્યાઓ માટે 9.50 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને પોતાના વતનથી દૂર-દૂરના કેન્દ્રો ફાળવવામાં આવ્યા હોવાના કારણે વિવિધ સમાજ દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા તથા જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. જ્યારે રેલવે વિભાગ દ્વારા એકસ્ટ્રા ટ્રેન દોડાવવામાં આવશે. ઉમેદવારોને રાજ્ય સરકાર માટે ભાડું પણ ચૂકવવામાં આવશે.

જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે તે શાળાઓના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં. 100 મીટરની ત્રિજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) ની 100 મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહીં.

શાળા (પરીક્ષા કેન્દ્ર) માં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગનું સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહીં. તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહીં. શાળા (પરીક્ષા કેન્દ્રો) ના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તે ઓળખકાર્ડ સંબંધિતોએ પહેરવાનું રહેશે ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી.રાજકોટ એસ.ટી.તંત્ર 250 બસ દોડાવશે:100થી વધુ બસ ફૂલ

રાજકોટમાં મોટાભાગના ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગર, પાલીતાણા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં પરીક્ષા આપવા જવાનું હોવાથી એસ.ટી.માં એડવાન્સ બુકીંગ કરાવવા ઉમેદવારોનો બસ પોર્ટમાં ઘસારો જોવા મળ્યો છે. રાજ્યભરમાં એસ.ટી. તંત્ર 6500 બસ અને રાજકોટ જીલ્લામાં 250 એકસ્ટ્રા બસ દોડાવાશે. અત્યાર સુધીમાં રાજકોટમાં 100થી વધુ એસ.ટી. બસ હાઉસફૂલ થઇ ઉમેદવારોને આજે રાત્રિના અને કાલે વહેલી સવારથી પરિક્ષા આપવા જવા માટે બસ મળી જશે. રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા રાજકોટથી અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, પાલિતાણા, ભાવનગર સહિતના રૂટ ઉપર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવશે. આજે સાંજ સુધીમાં 250 બસો ફૂલ થવાની શક્યતા સેવાઇ રહી છે.

રાજકોટ-જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પે.ટ્રેન દોડશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કાલે રવિવારે “જુનિયર ક્લાર્ક” પરીક્ષા વિવિધ સ્થળોએ યોજશે. આ પરીક્ષાના અવસર પર, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે કાલે એક દિવસ માટે બે જોડી “પરીક્ષા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ-જૂનાગઢ પરિક્ષા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 7 કલાકે ઉપડશે અને 8:50 કલાકે જૂનાગઢ પહોંચશે.

તેવી જ રીતે, રિટર્નમાં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે. જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07.30 કલાકે ઉપડશે અને 10.00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.