ભુકંપની તિવ્રતા ૧.૨ થી લઈ ૪.૧ સુધી નોંધાઈ: પાલિતાણા, જામનગર, કચ્છ વિસ્તારમાં આંચકા અનુભવાયા
આ વર્ષે એકબાજુ કોરોનાની મહામારી બીજીબાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ અને છેલ્લા એક માસથી આવી રહેલા સતત ભુકંપનાં આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ભુકંપનાં ૮ આંચકા આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. કચ્છ, જામનગર, પાલિતાણા સહિતના વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય વ્યાપ્યો છે. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ ગઈકાલે સવારે ૬:૨૬ કલાકે લાલપુરમાં ૨.૩ની તિવ્રતાનો આંચકો ત્યારબાદ બપોરે ૨:૦૮ વાગ્યે પાલિતાણાથી ૬ કિલોમીટર દુર ૧.૩ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ૨:૦૯ કલાકે કચ્છના દુધઈથી ૭ કિલોમીટર દુર ૪.૧ રીકટલસ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. બપોર બાદ ૫:૨૫ કલાકે જામનગરથી ૧૯ કિલોમીટર દુર ૨.૧ની તિવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ રાત્રે ૯:૧૫ કલાકે કચ્છના ભચાઉથી ૯ કિલોમીટર દુર ૧.૬ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. મોડીરાત્રે ૧૧:૦૭ વાગ્યે કચ્છના રાપરથી ૧૮ કિલોમીટર દુર ૨.૫ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ ૨:૫૩ વાગ્યે કચ્છના દુધઈથી ૧૭ કિલોમીટર દુર ૧.૨ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે અને વહેલી સવારે ૫:૨૧ વાગ્યે કચ્છના દુધઈથી ૧૮ કિલોમીટર દુર ૧.૯ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો.
વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮ આંચકામાં સૌથી વધુ તિવ્રતા કચ્છના દુધઈમાં ૪.૧નો ભુકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વધુ વરસાદ આવવાના લીધે જમીનની અંદર પાણીનું સ્તર વઘ્યું છે જેના કારણે ભુકંપમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.