‘સિંધુડો’ ધોલેરા સત્યાગ્રહની જયંતીએ ‘કસુંબીનો રંગ’ સ્વરાંજલિ કાર્યક્રમ
૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો. આ ઐતિહાસિક પ્રસંગની ૮૯મી જયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે મહાત્મા ગાંધીને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.
એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી રાણપુર આવેલા, રાણપુર સુધરાઈએ ગાંધીજીને ‘માનપત્ર’ અર્પણ કરેલું. સૌરાષ્ટ્ર-ફુલછાબ પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો ત્યારે એમની સાથે ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત થયેલી. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરીષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા ગાંધીજીની મનોવ્યથાનું સચોટ નિ‚પણ કરતું કાવ્ય ‘છેલ્લો કટોરો’ ઝવેરચંદ મેઘાણીએ ૨૭ ઓગસ્ટના રોજ રાણપુરમાં લખ્યુંને રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરુદ મહાત્માજી પાસેથી પામ્યા.
આથી અહીં ભાવાંજલિનું સવિશેષ મહત્વ રહ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગોવિંદસિંગભાઈ ડાભી, હરદેવસિંહ રાણા, રણજીતભાઈ બારોટ, કલ્પેશભાઈ શાહ, હસુભાઈ કાગરેટિયા, હેતલબેન વાઘેલા, દિપ્તીબેન વાઘેલા, ભૂમિકાબેન પટેલ, વાહીદભાઈ ખલીફા, ઘનશ્યામભાઈ ગોંડલીયા સહિત સંસ્થાના ખાદીકામનાં કારીગર બહેનો-ભાઈઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લોકલાગણીને માન આપીને આગામી ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સિંધુડો-ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી અવસરે રાણપુર ખાતે કસુંબીનો રંગ સ્વરાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીત-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.