- કોર્પોરેશનના જનરલ બોર્ડમાં 15 કોર્પોરેટરના 32 પ્રશ્ર્નો પૈકી માત્ર બે જ પ્રશ્ર્નોની ચર્ચા: આપેક્ષબાજીમાં સમય વેડફાયો
- શાળા-કોલેજો પાસે વેરા પેટે રૂપિયા 11.36 કરોડનું લેણું બાકી: 125 શાળા પાસે જ પાર્કિંગની વ્યવસ્થા, 40 શાળા-કોલેજો સૂચીત કે સરકારી ખરાબામાં
કોર્પોરેશનમાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપ, કોંગ્રેસ અને આપના 15 કોર્પોરેટરના 32 પ્રશ્ર્નો પૈકી માત્ર બે કોર્પોરેટરોના બે પ્રશ્ર્નો અંગે ચર્ચા થઇ હતી. એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળનો સમય સામસામી આપેક્ષબાજી અને ખોટા દેકારામાં પસાર થઇ ગયો હતો. બોર્ડમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી નવ પૈકી આઠ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જ્યારે એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. એક અરજન્ટ બિઝનેશ દરખાસ્ત અને બે શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં પ્રથમ વોર્ડ નં.15ના નગરસેવિકા કોમલબેન ભારાઇના પ્રશ્ર્નની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તેઓએ કોર્પોરેશનની હદમાં કેટલી શાળા-કોલેજો આવેલી છે. જે પૈકી કેટલામાં પાર્કિંગની સુવિધા, રમતગમતના મેદાનની સુવિધા છે અને કેટલી શાળા-કોલેજોએ પ્લાન પાસ કરાવ્યા છે તેની વિગતો માંગી હતી. જેનો જવાબ આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે શહેરમાં 491 બિલ્ડીંગોમાં કુલ 898 શાળા-કોલેજો બેસે છે. જેની પાસે વેરા પેટે પાછલું રૂ.5.89 કરોડ, ચાલુ વર્ષનું રૂ.5.47 કરોડ અને વ્યાજ રૂ.1.74 કરોડ સહિત રૂ.11.36 કરોડ રૂપિયા બાકી નીકળે છે.
કમિશનરે સભ્યને વોર્ડ વાઇઝ કેટલી શાળાઓ આવેલી છે અને તેની પાસે વેરા પેટે કેટલી રકમ બાકી નીકળે છે તેનું પણ વિગતવાર લીસ્ટ આપ્યું હતું. શાળા-કોલેજના 491 પૈકી 399 બિલ્ડીંગોએ ટાઉન પ્લાનિંગ શાખામાં બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવ્યો છે. જ્યારે 140 શાળાઓએ ઇન્પેક્ટ ફી કાયદાનો લાભ લઇ બાંધકામ નિયમીત કરાવ્યું છે. 40 જેટલી શાળા અને કોલેજો સૂચિત સોસાયટી કે સરકારી ખરાબામાં આવેલી છે. માત્ર 86 શાળાઓમાં રમતગમતના મેદાન છે અને 125 શાળાઓમાં પાર્કિંગની વ્યવસ્થા છે.
મ્યુનિ.કમિશનરના જવાબ સામે નગરસેવિકા કોમલબેન ભારાઇએ એવું જણાવ્યું હતું કે કોના કહેવાથી શાળા-કોલેજો પાસે બાકી વેરાની રકમ વસૂલવામાં આવતી નથી. શહેરની એકપણ શાળા કે કોલેજમાં પૂરતી પાર્કિંગની વ્યવસ્થા છે જ નહીં તેઓ આ માટે પૂરાવા રજૂ કરવાની પણ તૈયારી દેખાડી હતી. પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન અનેક વખત ભાજપ, કોંગ્રેસ અને આપના કોર્પોરેટરો વચ્ચે આપેક્ષબાજી થઇ હતી. મનિષ રાડીયાએ શાળા-કોલેજો દ્વારા ભરવામાં આવતા વ્યવસાય વેરા અંગે માહિતી માંગી હતી. જ્યારે નેહલ શુક્લએ પણ ફાયર એનઓસીના નિયમમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા અંગેની માંગણી કરી હતી.
સેનિટેશન સમિતિના ચેરમેન અશ્ર્વિન પાંભરે શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર અંગેની માહિતી માંગી હતી. છેલ્લા 6 માસમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 3,45,187 ઓપીડી થઇ હોવાનું બોર્ડમાં કમિશનરે જણાવ્યું હતું.
જનરલ બોર્ડમાં વાવડી સિપાઇ જમાત વકફ ટ્રસ્ટને સરકારી ખરાબા વાવડી સર્વે નં.149 પૈકીની જમીન નીમ કરવા અંગેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની વાવડી સર્વે નં.6ની જમીન આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. નવ પૈકી આઠ દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
અરજર્ન્ટ બિઝનેશ તરીકે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને પણ બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુ અને હાસમભાઇ તાયાણીનું નિધન થતાં બોર્ડમાં શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
- ટીપી સ્કિમ નં.11 (માધાપર) હવે કોર્પોરેશન બનાવશે
રૂડા દ્વારા ટીપી સ્કિમ નં.11 (માધાપર) બનાવવા માટેનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ ટીપી સ્કિમ બનાવવા માટે રૂડા દ્વારા કેટલીક કામગીરી પણ કરવામાં આવી હતી. દરમિયાન માધાપર ગામનો સમાવેશ કોર્પોરેશનમાં થતાં રાજ્ય સરકારના ટીપીઓ દ્વારા હવે આ ટીપી સ્કીમ કોર્પોરેશન તૈયાર કરે તેવી સૂચના આપવામાં આવી હતી. જેના સંદર્ભે આજે કોર્પોરેશનમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ટીપી સ્કીમ નં.11 (માધાપર) રૂડાના બદલે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવશે.
રાજકોટ શહેરની ઉતરે હદ તરફે માધાપર વિસ્તારમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની મંજૂર વિકાસ યોજના-2031માં સદર વિસ્તાર રહેણાંક ઝોન તરીકે સૂચવવામાં આવેલ, જે વિકાસશીલ વિસ્તાર હોઇ બનાવવી આવશ્યક છે. તેનું અંદાજીત ક્ષેત્રફળ હેક્ટર 178-14-09 ચો.મી. થાય છે.
જેની ઉત્તરે: મુસદ્ારૂપ નગર રચના યોજના નં.38/1 (માધાપર) રાજકોટની હદ આવેલ છે. દક્ષિણે: આખરી નગર રચના યોજના નં.9 રાજકોટની હદ તથા રાજકોટનાં સર્વે નં.514ની જમીન આવેલ છે. પૂર્વે: આખરી નગર રચના યોજના નં.9 રાજકોટની હદ આવેલ છે. પશ્ર્ચિમે: ઘંટેશ્ર્વર ગામની હદ તથા સૂચિત મુસદ્ારૂપ નગર રચના યોજના નં.33 (રૈયા)ની હદ આવેલ છે.
- તમારા જેવા 500 આવે તો પણ ભાજપને કોઇ ફેર ન પડે જયમીન ઠાકરનો વશરામ સાગઠીયાને સણસણતો તમાંચો
- કોંગ્રેસ મારી માતૃ સંસ્થા છે અને ભવિષ્યમાં રહેશે: વશરામ સાગઠીયા
જનરલ બોર્ડમાં પક્ષ પલ્ટાનો મુદ્ો ગાજ્યો હતો. ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે વશરામ સાગઠીયા સામે એવો આપેક્ષ કર્યો હતો કે તમે પોતાની પાર્ટી સાથે ગદ્ારી કરી તો પ્રજાનું શું ભલું કરશો. જેની સામે સાગઠીયાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસ મારી માતૃ સંસ્થા અને ભવિષ્યમાં પણ રહેશે. પક્ષ પલ્ટો તો નિતિન રામાણીએ કર્યો હતો. જેના જવાબમાં રામાણીએ કહ્યું હતું કે હું રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયો હતો. તમારી તાકાત હોય તો રાજીનામું આપી ફરી ચુંટણી લડો અને જીતી બતાવો. જયમીન ઠાકરે એવો આપેક્ષ પણ કર્યો હતો કે તમે સાંજે ભાજપના ક્યાં નેતાઓને ત્યાં જાવો છો તેની મને બધી ખબર છે. તમારી જેવા 500 લોકો આવે તો પણ ભાજપને કોઇ જ ફેર પડવાનો નથી.
- 25 લાખ ઉછીના આપવાનું કહી વશરામે કોમલબેન ભારાઇને પક્ષ પલ્ટો કરાવ્યો હોવાનો સુરેન્દ્રસિંહનો ટોણોે
- વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પણ પક્ષ પલ્ટા માટે કોમલબેને લાખો લીધા હોવાનો આપેક્ષ લગાવ્યો
જનરલ બોર્ડની બેઠકમાં આજે પક્ષ પલ્ટાનો મુદ્ો સારો એવો ગાજ્યો હતો. શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ એવું ટપકું મુક્યુ હતું કે વશરામભાઇ સાગઠીયાએ કોમલબેન ભારાઇને 25 લાખ રૂપિયા હાથ ઉછીના આપવાનું વચન આપી પક્ષ પલ્ટો કરાવ્યો છે. ચૂંટણી પહેલા આ 25 લાખની રકમ લઇ લેજો. આ મુદ્ે બોર્ડમાં થોડીવાર માટે સારો એવો ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. બોર્ડ પૂરું થયા બાદ જ્યારે કોમલબેન ભારાઇ ઇલેક્ટ્રોનિક્સ મિડીયા સમક્ષ નિવેદન આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ એવો આપેક્ષ કર્યો હતો કે પક્ષ પલ્ટો કરવા માટે કોમલબેને 25 લાખ રૂપિયા લીધા છે. આપેક્ષ અને પ્રતિઆપેક્ષ વચ્ચે આજે બોર્ડમાં ભારે ગરમા-ગરમી થવા પામી હતી.