શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી સંસ્થા પ્રોજેકટ લાઈફ દ્વારા દસકોઈ તાલુકાના જેતલપુર ગામે શાન્તાબેન ચીનુભાઈ શાહ પ્રાથમિક શાળાની શિલાન્યાસવિધિ તાજેતરમાં દાતા પરિવાર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મુખ્યમંત્રીના પી.આર.ઓ હિતેશભાઈ પંડયાએ સંસ્થા ૧૦૦૮ શાળાઓ બનાવે તેવી શુભકામના પણ આપી હતી.
આ પ્રાથમિક શાળાના શિલાન્યાસ પ્રસંગે ડો.અંજનાબેન અને અરુણભાઈ શાહ, મહંતશ્રી આત્મપ્રકાશદાસજી, દશક્રોઈ મત વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, મુખ્યમંત્રીના પી.આર.ઓ હિતેશભાઈ પંડયા, પ્રોજેકટ લાઈફના ટ્રસ્ટી અને ઉધોગપતિ કિરીટભાઈ વસા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહ ડાભી, અમદાવાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મહેશભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની શિલાન્યાસવિધિ ડો.અંજનાબેન અને અણભાઈ શાહ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. ડો.પી.સી.રાજુ અને જયોતિ શાહે તેમના માતા-પિતાની સ્મૃતિમાં આ શાળા નવનિર્માણમાં સહયોગ આપી વતનનું ઋણ અદા કર્યું. કિરીટભાઈ વસાએ પોતાના વકતવ્યમાં કન્યા શિક્ષણ ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, વિદ્યાર્થીનીઓને ટેકનીકલ શિક્ષણ આપવાની પણ ખાસ જરૂર છે. પ્રોજેકટ લાઈફ દ્વારા નિર્મિત શાળાઓમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. વિદેશથી આવેલા શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું.
આજે પ્રોજેકટ લાઈફ તેની સ્થાપનાના ૪૦માં વર્ષની ઉજવણીપે શિક્ષણ વિભાગનો આ કાર્યક્રમ કરી રહ્યું છે અને સંસ્થા આરોગ્ય શિક્ષણ, પર્યાવરણ યોગા, મહિલા સશકિતકરણ જેવા કાર્યક્રમ પણ ચલાવે છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો. અંતમાં આભારવિધિ માધ્યમિક શાળાના આચાર્ય ઈન્દ્રવદન ભટ્ટે કરી હતી.