પી.એમ. કિશાન ટ્રેકટર યોજના હેઠળ વધુમાં વધુ 30 હજાર રૂપીયા સુધીની મળે છે સબસીડી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તાજેતરમાં જ સુશાસનના 100 દિવસ સુપેરે સંપન્ન કર્યા છે. આ 100 દિવસ દરમિયાન અનેક કલ્યાણકારી અને લોકોપયોગી કાર્યો સરકારે કર્યા છે. ખેડૂતોની આવક વધારવા તથા રોજગારીની તકો વધારવા માટે રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ તથા પ્રોત્સાહન પૂરું પાડે છે.
ખેડૂતો અને કૃષિ ક્ષેત્રનાં સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતલક્ષી ઘણી યોજનાઓ અમલમાં મુકી છે. ખેડૂતોને ખેતીકામમાં ઉપયોગી આધુનિક મશીનરીઓમાં ટ્રેક્ટર એક જરૂરિયાતનો મુખ્ય ભાગ છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે સરકાર માન્ય કંપનીના ટ્રેક્ટરની ખરીદી કરવા માટે “પી.એમ.કિસાન ટ્રેક્ટર યોજના” હેઠળ વધુમાં વધુ રૂ.60,000/- સુધીની સબસિડી આપે છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એલ. સોજીત્રાએ જણાવ્યું હતું કે, “પી.એમ.કિસાન ટ્રેક્ટર યોજના” હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ 2022 – 23માં ગોંડલમાં 248 ખેડૂતોને 1,14,45,000/-, જસદણમાં 231 ખેડૂતોને 1,06,80,000/-, જેતપુરમાં 215 ખેડૂતોને રૂ.98,70,000/-, ઉપલેટામાં 187 ખેડૂતોને રૂ.86,55,000/-, રાજકોટમાં 184 સહિત 84,60,000/-, જામકંડોરણામાં 179 ખેડૂતોને રૂ.82,50,000/-, પડધરીમાં 153 ખેડૂતોને રૂ. 70,65,000/-, લોધિકામાં 135 ખેડૂતોને રૂ. 61,35,000/-, ધોરાજીમાં 128 ખેડૂતોને રૂ. 59,25,000/-, કોટડા સાંગાણીમાં 125 ખેડૂતોને રૂ. 57,15,000/-, વિંછીયામાં 95 ખેડૂતોને રૂ. 46,20,000/-, રાજકોટ શહેર દક્ષિણમાં 4 ખેડૂતોને રૂ. 1,80,000/-, રાજકોટ શહેર પશ્ચિમમાં 1 ખેડૂતને રૂ. 45000/- સહીત કુલ 1886 ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે કુલ રૂ. 870.45 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી છે. આ સહાય લાભાર્થી ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – ડી.બી.ટી. મારફત સીધાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. અથવા તો નજીકના સી.એસ.સી. સેન્ટર પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.