ભારે પવન અને વરસાદમાં મનહરપુરા, ભગવતીપરા અને રૈયા રોડ પર 115 લોકોનું સ્થળાંતર કરાયું: વરસાદે વિરામ લેતા વૃક્ષો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ
ભારે વરસાદના કારણે આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં માત્ર ચાર કલાકમાં જ 87 વૃક્ષોનો સોંથ બોલી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. કાલે રાત્રે ભારે પવનના કારણે મનહરપુરા અને ભગવતીપરા તથા રૈયા રોડ પર ખૂલ્લામાં વસવાટ કરતા 115 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદે વિરામ લેતાની સાથે જ વૃક્ષો હટાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.
આજે સવારે રાજકોટમાં ત્રણ કલાકમાં સુપડાધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયાની 27થી વધુ ફરિયાદો કોર્પોરેશનના કંટ્રોલરૂમ ખાતે નોંધાઇ હતી. જ્યારે ડ્રેનેજ ચોકઅપ થયાની પણ 250થી વધુ ફરિયાદો ઉઠી હતી. ભારે પવન સાથે પડેલા વરસાદમાં માત્ર ચાર કલાકમાં જ શહેરમાં 87 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.
ફાયર બ્રિગેડ શાખા સતત દોડતી રહી હતી. સવારે 10 વાગ્યે મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં શહેરમાં 135 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જે પૈકી 119થી વધુ વૃક્ષોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને માર્ગ ખૂલ્લો કરી દેવામાં આવ્યો છે.
ભયગ્રસ્ત 355 વૃક્ષોની ડાળીઓ પણ કાપી નાંખવામાં આવી હતી. વાવાઝોડાના પગલે 2209 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે હાલ શાળા, કોમ્યુનિટી હોલમાં વસવાટ કરી રહ્યા છે. માહોલ શાંત થતાની સાથે જ તમામને ઘરે મોકલવાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.