ભૂજ સૌથી વધુ અસરગ્રસ્ત: ૨૦૧૮માં ૧૮૨ કેસ અને ૧૨ના મોત નોંધાયા
સ્વાઈન ફ્લુના સકંજામાં સપડાયેલા કચ્છમાં જાન્યુઆરી માસ દરમિયાન નવા ૮૭ કેસ નોંધાવા સાથે બે દર્દીના મોત નીપજ્યાં હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરૂણકુમાર કુર્મીના જણાવ્યા મુજબ જાન્યુઆરી માસ દરમિયાન બે દર્દીના મોત સ્વાઈન ફ્લુથી થયાં છે. સ્વાઈન ફ્લુથી મૃત્યુ પામેલાંમાં માનકૂવાની ૪૭ વર્ષિય મહિલા અને મુંદરાના નાના કપાયાના ૬૭ વર્ષિય વૃધ્ધનો સમાવેશ થાય છે. માનકૂવાની મહિલાનું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ૨૬મીના રોજ અને નાના કપાયાના વૃધ્ધનું અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ૨૫મીના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
૨૦૧૮ના વર્ષમાં કચ્છમાં સ્વાઈન ફ્લુના કુલ ૧૮૨ કેસ નોંધાયા હતા. મોટાભાગના કેસ સપ્ટેમ્બરના પાછલા સપ્તાહથી નોંધાવાનું શરૂ થયું હતું. એ જ રીતે, સ્વાઈન ફ્લુગ્રસ્ત ૧૨ દર્દીના મોત નીપજ્યાં હતા.
જો કે, ડોક્ટર કુર્મીના જણાવ્યા મુજબ ૧૨માંથી માત્ર ૧ જ દર્દીનું મોત સ્વાઈન ફ્લુથી થયું હોવાનો કન્ફર્મ ડેથ ઑડિટ રીપોર્ટ આવ્યો હતો. અન્ય ૧૧ દર્દીના મોતના રીપોર્ટ વિવિધ કારણોસર પેન્ડિંગ જ રહ્યાં છે.
સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત ભુજ શહેર અને તાલુકો છે. ૨૦૧૮માં નોંધાયેલા કુલ ૧૮૨ કેસ પૈકી ૧૦૨ કેસ એકલાં ભુજ શહેર અને તાલુકાના વિવિધ ગામના નોંધાયા હતા. તો વર્તમાન જાન્યુઆરી માસના ૩૦ દિવસમાં નોંધાયેલા ૮૭ કેસમાંથી ૫૨ કેસ ભુજ શહેર અને તાલુકાના દર્દીઓના છે.