- જામનગરના મણીબેન વસોયાએ ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગરનું નામ રોશન કર્યું
- 86 વર્ષના માજીએ ઢળતી ઉંમરમાં પણ ઝઝબાને જીવંત રાખ્યો
જામનગર સમાચાર : જામનગરના મણીબેન વસોયા નામના વૃદ્ધાએ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800m, 1500 અને 5,000 મીટર તેજ ચાલમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગરનું નામ રોશન કર્યું છે.
સફળતાને ગુલામ બનવા માટે પહાડ સમી મુશ્કેલી અને મોટી પ્રતિકુળતાને પણ પછાડવાની તાકાત હોવી જોઈએ અને મહેનત થકી આ શક્ય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ વાતને જામનગરના 86 વર્ષના માજીએ સાર્થક કરી બતાવી છે. 86 વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે લોકોને ચાલવામા પણ ફાંફા પડતા હોય છે તેવામાં જામનગરના માજીને સડસડાટ દોડીને ગોલ્ડ, સિલ્વર મેડલ પોતાને નામ કર્યા છે. જામનગરના મણીબેન વસોયા નામના વૃદ્ધાએ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800m, 1500 અને 5,000 મીટર તેજ ચાલમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગરનું નામ રોશન કર્યું છે.
સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે માણસની કાર્યક્ષમતા અને કામ કરવાની ધગશ પણ ઘટતી જાય છે. પરંતુ જામનગરના 86 વર્ષના માજીએ ઢળતી ઉંમરમાં પણ ઝઝબાને જીવંત રાખ્યો છે. મણીબેન વસોયાએ જણાવ્યું કે પોતાને નિવૃત્તિ કાળમાં રમતગમત ક્ષેત્રે રુચિ વધતા તે છેલ્લા બે વર્ષથી રમતગમત ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને અત્યાર સુધમાં ત્રણ સ્થળે રમવા ગયા હતા. અગાઉ તેઓએ નડિયાદ, સુરત અને હરિયાણા ખાતે યોજાયેલી સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. આ વખતે હૈદરાબાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800m, 1500 દોડ અને 5,000 મીટર તેજ ચાલમાં યશસ્વી પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મણિબેને કહ્યું કે પોતે જામનગરના મંગલબાગમાં રહે છે અને ત્યાંથી ચાલીને રોજ બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જાય છે અને આ ઉંમરે પણ પોતાના શરીરમાં આળસને ઘર કરવા દીધું નથી ! એ જ પોતાનો સફળતાનો મંત્ર છે. હવે તે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં રમવા જવાનું સપનું સેવી રહ્યા છે. તેમના પુત્રને પણ માજીની મહેનત પર વિશ્વાસ હોવાથી તેમણે હરિયાણા ખાતે સ્પર્ધા હોવા છતાં મનાઈ કરી ન હતી.