૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો પર એજવેલ ફાઉન્ડેશનનો સર્વે
* ૨૩.૩% વૃદ્ધો કે જેમને રહેવા, ખાવા-પીવાની સુવિધા નથી મળતી.
* દેશમાં ૧૨.૯% વૃદ્ધો એવા છે કે જેમને જમવાનું નથી મળતું.
* ૩૧.૨૦% સિનિયર સિટિઝન્સ કે જેમને જરૂરિયાતની મેડિકલ સેવાઓ નથી મળતી.
* ૪૮.૬ ટકા એવા વૃદ્ધો છે કે જેમને સન્માન નથી મળતું અને ઘરના સભ્યોના ગેરવર્તનથી પીડાય છે.
ભારતના બંધારણમાં માનવ અધિકારનો ઉલ્લેખ છે. દેશના દરેક નાગરિક પાસે પોતાનો માનવ અધિકાર છે પરંતુ ભારતમાં ૮૬ ટકા સીનીયર સીટીઝન એવા છે જેમને તેમના માનવ અધિકારો વિશે કોઈ જાણકારી નથી. સ્વભાવિક છે કે જો અધિકારો વિશે જ જાણ નથી તો તેનો ઉપયોગ તો ખુબ દુરની વાત છે.
૧૦મી ડિસેમ્બરના દિનને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણી નિમિતે નવી દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એજવેલ ફાઉન્ડેશન દ્વારા એક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં ૮૬% વૃદ્ધો માનવ અધિકારોથી અજાણ છે.
જણાવી દઈએ કે, એજવેલ ફાઉન્ડેશનને ૬૦ વર્ષથી વધુ વયના પાંચ હજાર વૃદ્ધો પર એક સર્વે કર્યો હતો. જે પરથી જાણવા મળ્યું છેકે ૮૬% વૃદ્ધોને બંધારણમાં વર્ણવેલા માનવ અધિકારો વિશે કોઈ ખ્યાલ જ નથી. આ ઉપરાંત એ હકિકત પણ જાણવા મળી છે કે દેશમાં ૩૧.૨૦ ટકા વૃદ્ધો એવા છે કે જેમને જરૂરીયાતની દવાઓ અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ મળતી નથી. આ પ્રમાણ સૌથી વધુ શહેરી વિસ્તારોમાં છે.
એજવેલ ફાઉન્ડેશનના રીપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ૨૩.૩% સીનીયર સીટીઝન્સ એવા છે કે જેમને રહેવા, ખાવા-પીવાની યોગ્ય સુવિધા પણ નથી મળતી. આ ઉપરાંત ૧૨.૯% વૃદ્ધો એવા છે કે જેમને જમવાનું પણ નથી મળતું તેમજ ૪૮.૬ ટકા વૃદ્ધ લોકોએ એવો દાવો કર્યો છે કે તેમના કુટુંબી સભ્યો તેમની સારસંભાળ લેતા નથી અને તેમની સાથે ગેરવર્તન કરે છે. માનવ અધિકારી હનનનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં વધારે ૬૫% છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૫૭% છે.
વૃદ્ધો સાથે ગેરવર્તન, યોગ્ય સુવિધાઓનો અભાવ, માનવ અધિકારોથી અજ્ઞાન વગેરે જેવી સમસ્યાઓથી હાલ વૃદ્ધ લોકો પીડાય રહ્યા છે. જેની સામે પગલા લેવા બાબતે એજવેલ ફાઉન્ડેશનના ચેરમેન હિમાંશુ રાથે જણાવ્યું કે, સીનીયર સીટીઝન્સમાં અધિકારોનું જ્ઞાન લાવવા શાળા જેવું વાતાવરણ ઉભું કરવું જોઈએ. આ માટે પોલીસી ઘડવી જોઈએ અને તેનું સુચારું રીતે અમલ કરવો જોઈએ. જેથી વૃદ્ધોને ભોગવવી પડતી હાલાકીઓનું પ્રમાણ ઘટે અને તેમને રાહત મળી શકે.