અમદાવાદના નરોડામાં ફાટી નીકળેલી કોમી હિંસામાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, સ્પેશિયલ કોર્ટ આજે જાહેર કરશે ચુકાદો
આરોપીમાં ભાજપના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી સહિતના સામેલ, 18 આરોપીઓ તો હયાત પણ નથી: 21 વર્ષ બાદ આવનાર ચુકાદા ઉપર રાજ્યભરની મીટ
ગોધરાકાંડ બાદ અમદાવાદના નરોડા ગામમાં ફાટી નીકળેલી હિંસામાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પોલીસે તબક્કાવાર 86 લોકોને પકડ્યા હતા. ત્યારે આજે સ્પેશિયલ કોર્ટ આ નરસંહારમાં પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવશે.
2002માં થયેલા રમખાણ દરમિયાન નરોડા ગામ ખાતે લઘુમતિ સમુદાયના અગિયાર લોકો માર્યા ગયા હતા. આ કેસમાં અમદાવાદની વિશેષ અદાલત આજે ગુરુવારે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, જયદીપ પટેલ એ 86 આરોપીઓમાં સામેલ છે જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18 આરોપીના મૃત્યુ થયા છે.
28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં કોમી હિંસામાં 11 લોકો માર્યા ગયા હતા. આ હત્યાકાંડના એક દિવસ પૂર્વે એટલે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર એસ-6 ને સળગાવવામાં આવ્યો હતો. જેમાં 58 મુસાફરો, કે જે મોટાભાગે અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો હતા તે સળગી જતા મૃત્યુ પામ્યા હતા. જેના વિરોધમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.
સ્પેશિયલ પ્રોસિક્યુટર સુરેશ શાહે જણાવ્યું હતું કે, 2010માં શરૂ થયેલી અને લગભગ 13 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી. સપ્ટેમ્બર 2017 માં, ભાજપના વરિષ્ઠ નેતા (હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન) અમિત શાહે, માયાબેન કોડનાની તરફે બચાવ સાક્ષી તરીકે હાજર થયા હતા. કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેણીની અલીબી સાબિત કરવા માટે તેને સમન્સ મોકલવામાં આવે કે તેઓ ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા અને નરોડા ગામ કે જ્યાં આ હત્યાકાંડ થયો હતો ત્યાં તેઓ હતા જ નહીં.
ટ્રાયલ (સાક્ષીઓની જુબાની) લગભગ ચાર વર્ષ પહેલાં પૂર્ણ થઈ હતી. ફરિયાદ પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી અને જ્યારે તત્કાલીન વિશેષ ન્યાયાધીશ પી બી દેસાઈ નિવૃત્ત થયા ત્યારે બચાવ પક્ષ તેની દલીલો કરી રહ્યો હતો. તેથી ન્યાયાધીશ દવે અને બાદમાં ન્યાયાધીશ બક્ષી સમક્ષ દલીલો નવેસરથી શરૂ થઈ હતી.
આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે.