અત્યાર સુધી થાંભલા નાખવાથી થતાં પાક, ફળાઉ ઝાડનું જ નુકસાન મળતું હતું: વળતર ત્રણ તબક્કામાં ચૂકવાશે
ગુજરાતભરમાં વીજળી પુરવઠો પહોંચાડવા માટે પાથરવામાં આવતી હાઇ ટેન્શન વીજ લાઇનો અને થાંભલા હવે ખેતી કે ખાનગી જમીનમાં ઊભા કરવામાં આવશે તેવા કિસ્સામાં જમીનના મૂલ્યના ૮૫ ટકા જેટલું વળતર ચૂકવવામાં આવશે, તેવી જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે કરી હતી.પટેલે કહ્યું કે, અત્યાર સુધી આ ટાવરો નાખવા માટે ખેડૂતોને પાક અને ફળાઉ ઝાડના નુકસાન સિવાય કોઇ વળતર ચૂકવવામાં આવતું ન હતું. તેથી ખેડૂતોને મદદરૂપ થવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે જે પ્રમાણે હવે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ પ્રવહન લાઇન માટે અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતની જમીનની જગા પેટે વળતર ચૂકવાશે. ટ્રાન્સમિશન લાઇનો નાખતી દરેક કંપનીઓ દ્વારા ખેડૂતો અને જમીન માલિકોને તે ચુકવવાનું રહેશે. જમીનની જે તે સમયની પ્રવર્તમાન કિંમતના ૮૫ ટકા લેખે જંત્રીના આધારે વળતર ચૂકવાશે.
તેમણે ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇને કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગેના વળતર સંદર્ભે જમીન માલિકને જમીન ઉપરથી પસાર થતાં પ્રવહન રેષાની પહોળાઇ તથા લંબાઇને અનુલક્ષીને જમીનના મૂલ્યમાં થતાં ઘટાડાના નુકસાન પેટે જમીન મૂલ્યના ૭.૫ ટકા લેખે વળતર ચૂકવાશે. જ્યારે પાક અને ફળાઉ ઝાડના નુકસાન પેટે વળતર ચુકવતી વખતે એપીએમસી દ્વારા નક્કી થયેલા દર લાગુ પડશે. જમીન માલિક કે ખેડૂતને આ વળતર ત્રણ તબક્કામાં ચુકવાશે. જેમાં ૪૦ ટકા ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ, ૪૦ ટકા ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીના ૨૦ ટકા વાયર ખેંચ્યા બાદ વિવિધ શરતોને આધિન ચૂકવાશે.
ગુજરાત સરકારે નેચરલ ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગોને નેચરલ ગેસ ઉપર વસૂલ થયેલા ૧૫ ટકા વેટ સામે નવ ટકા વેટ રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે, તેવી જાહેરાત નાણાં વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલે કરી હતી. દેશભરમાં જુલાઇથી જીએસટી લાગુ થયો છે પણ નેચરલ ગેસ રાજ્યોના અધિકારવાળા વેટ હેઠળ મુકવામાં આવ્યો છે અને તેના પર ૧૫ ટકા વેટ લાગતો હતો, તેમાંથી ૧૧ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે રિફંડ મળતા હતા. હવે જીએસટી લાગુ થતાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થતી નથી. આથી નેચરલ ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગોના ખર્ચમાં મોટો વધારો થયો છે. આ સંદર્ભે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગેસ આધારિત ઉદ્યોગોના વિવિધ સંગઠનો, એસોસિએશનોએ રજૂઆતો કરી હતી. સરકારના આ નિર્ણયનો લાભ ખાતર અને વીજ ઉત્પાદન કરતાં એકમોને મળશે નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.