ટીપી સ્કીમ નં.૫ અને ૨૩ના અનામત પ્લોટ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરવા હાથ ધરાયું ડિમોલીશન
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૩ અને ૧૭ માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોઠારીયા રોડ પર ૮૫ ઝુંપડાઓનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. જયારે સંતોષીનગરમાં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા મ્યુ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ મુજબ વોર્ડ નં.૩ અને ૧૭માં ગેરકાયદે બાંધકામો તથા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૧૭માં સીન્દુરીયા ખાણ, કોઠારીયા રોડ પાસે ટીપી સ્કીમ નં.૫ રાજકોટના ફાઈનલ પ્લોટ નં.૫૨માં ખડકાયેલા ૮૦ થી ૮૫ જેટલા ઝુંપડાઓનું દબાણ કરી ૨૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.૩માં સંતોષીનગર ફાટક સામેના વિસ્તારમાં ત્રાટકયો હતો. અહીં ટીપી સ્કીમ નં.૨૩ રાજકોટના ફાઈનલ પ્લોટ નં.૪/એ એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. હેતુના અનામત પ્લોટમાં આશરે ૧૫૦ ચો.મી. જમીન પર ચકુભાઈ બચુભાઈ ગગજી નામના આસામી દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જે આજે હટાવી દેવાયું હતું. આજે ડિમોલીશનમાં કુલ ૨૧૫૦ ચો.મી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.