પહેલુ સુખ તે જાતે નર્યા
શહેરી વિસ્તારોમાં ૮૫.૩ ટકા, જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૮૭.૩ ટકા લોકો પાસે આરોગ્ય વીમો જ નથી!
‘પહેલુ સુખ તે જાતે નર્યા, બીજુ સુખ તે ઘેર દિકરા, ત્રીજુ સુખ તે કોઠીએ જાર, ચોથુ સુખ તે ગુણવંતિ નાર’ કહેવત આપણા વડવાઓ કહી ગયા છે. આ કહેવતમાં સુખની કલ્પના સમાયેલી છે. વ્યક્તિ પાસે ગમે તેટલી દોલત, એશોઆરામ, માન-અકરામ, હોદ્દો, સત્તા કે, પ્રતિષ્ઠા હોય પરંતુ તંદુરસ્તી સારી ન હોય તો બાકીનું બધુ વ્યર્થ છે. આ કહેવત આરોગ્ય સુરક્ષા કવચ બાબતે ગુજરાતને સારી રીતે લાગે વળગે છે. વર્તમાન સમયે ગુજરાતના ૮૫ ટકા લોકો પાસે આરોગ્ય સુરક્ષા કવચ નથી તેવું નેશનલ સ્ટેટેસ્ટીંકના આંકડા કહી રહ્યાં છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં ૮૫.૩ ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૮૭.૩ ટકા લોકો પાસે આરોગ્ય સુરક્ષા કવચ નથી. કોરોના મહામારીના કારણે આરોગ્ય સુવિધા તરફ લોકોનું ધ્યાન કેન્દ્રીત થયું છે. આરોગ્યને લઈ લોકો જાગૃત થયા છે. અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત સહિતના શહેરોના દર્દીઓ ખાનગી દવાખાનામાં ભરતી થતાં હોય તેવું પ્રમાણ વધ્યું છે. શહેરી વિસ્તારોમાં માત્ર ૪.૧ ટકા દર્દીઓ જ સરકાર આધારિત યોજનાઓનો લાભ લે છે. ૩.૫ ટકા લોકો કામદાર આરોગ્ય યોજનામાં સંકળાયેલા છે. માત્ર ૭.૧ ટકા લોકો જ કંપનીઓ પાસેથી આરોગ્ય વીમો લે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧.૨ ટકા લોકો સરકારની યોજનાઓનો ઉપયોગ કરે છે. ૦.૭ ટકા લોકો જ કામદાર આરોગ્ય કવચનો ઉપયોગ કરે છે. જ્યારે માત્ર ૦.૮ ટકા લોકોએ જ કંપની પાસેથી પોલીસી લીધી છે.
અહીં આરોગ્ય સુરક્ષા કવચના આંકડા એટલા માટે મહત્વના બની જાય છે કે, શહેરી વિસ્તારોમાં ૭૦ ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૫૩ ટકા લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. જો આરોગ્ય સુરક્ષા કવચ હોય તો ખાનગી હોસ્પિટલમાં થતો ખર્ચ
અટકી શકે છે. આંકડા મુજબ ખાનગી હોસ્પિટલોમાં સારવાર પાછળ સરેરાશ રૂા.૨૯૨૮૧નો ખર્ચ થાય છે.
પાંચ વર્ષમાં વીમો લેવાની સંખ્યા વધી જ નથી!!!
નિષ્ણાંતોના મત મુજબ આરોગ્ય વીમા અંગે લોકોમાં જાગૃતિ તો આવી છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં હજુ આરોગ્ય વીમો લેતા હોય તેવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો નથી. ઘણા તો માર્ચ મહિનામાં ટેકસ બચાવવા જ વીમો લેતા હોય તેવું નોંધાયું છે. સરકારની આરોગ્ય યોજનાઓના કારણે ઘણા લોકો ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર મેળવી રહ્યાં છે.