નટરાજનગર, સુભાષનગર, સદર, વિનોદનગર, પુનિતનગર, બજરંગવાડી, સોમનાથ સોસાયટી, વિશ્ર્વશાંતીનગર, પરસાણાનગર, જાગનાથ પ્લોટ સહિતના વિસ્તારોનો સમાવેશ
હવે રાજકોટ જાણે ગુજરાતનું કોરોના હોટ સ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સરેરાશ ૯૦ થી ૧૦૦ જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોનાને નાથવા તંત્ર ચોતરફી લડાઈ લડી રહ્યું છે. હાલ શહેરના ૮૫ વિસ્તારોને માઈક્રો ક્નટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કોવિડ અને નોન કોવિડથી શહેર તથા જીલ્લામાં ૫૮ વ્યકિતઓના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તમામ સરકારી કચેરીના કર્મચારીઓ કોરોનાના અજગરી ભરડામાં સપડાયા છે.
સરકારી વિભાગ દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલા કોરોના હેલ્થ પુલેટીનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજની તારીખે ૮૫ એવા વિસ્તારો છે જયાંથી કોરોનાના દર્દીઓ વધુ મળી આવ્યા છે તેને માઈક્રો ક્નટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટી રોડ પરનું નટરાજનગર, કોઠારીયા રોડ પર સુભાષનગર, સદર બજારમાં નુતનપ્રેસ રોડ, થોરાળામાં વિનોદનગર, બજરંગવાડીમાં પુનિતનગર, રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી, કોઠારીયા રોડ પર વિશ્રાંતિનગર, જામનગર રોડ પર પરસાણાનગર, જાગનાથ પ્લોટ, રણછોડનગર, રૈયાધાર, કેવડાવાડી, મેહુલનગર, અર્જુન પાર્ક, અમિન માર્ગ, ગુંદાવાડી, ગીતાનગર, માસ્તર સોસાયટી તથા બીગબજાર પાસે ગુરૂદેવ પાર્ક વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સરધાર, રામોદ, ધોરાજી, લોધીકા, ગોંડલ, ઘંટેશ્ર્વર, પડધરી, જેતપુર, માધાપર સહિતના ગામોમાં ૨૩૦ વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. તા.૮ના સવારે ૮ વાગ્યાથી તા.૯ના રોજ સવારે ૮ વાગ્યા સુધીમાં કોર્પોરેશન વિસ્તારમાં કોવિડ તથા નોન કોવિડથી ૨૨ વ્યકિતઓના, રાજકોટ ગ્રામ્યમાં ૪ વ્યકિતઓના, અન્ય જિલ્લાના બે વ્યકિતના મોત નિપજયા હતા. ડેથ ઓડિટ કમિટી દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં બે વ્યકિતના કોરોનાથી મૃત્યુ નિપજયા હોવાની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. બુધવાર સવારથી આજે સવારે આઠ કલાક સુધીમાં કોવિડ અને નોનકોવિડથી કોર્પોરેશન વિસ્તારમાં ૧૪ વ્યકિત, રાજકોટ ગ્રામ્યમાં ૬ વ્યકિત અને અન્ય જિલ્લાના ૬ વ્યકિતના મોત નિપજયાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૮૧૪ કોરોના બેડની સુવિધા છે.