કાળઝાળ ગરમીમાં ‘ટાઢક’ આપતા વાવડ: ઉનાળામાં પણ સિંચાઈ માટે ખેડૂતોને પાણીની તંગી નહીં રહે
સરદાર સરોવરમાં ૮,૪૦૦ કયુસેક પાણીની આવક થતા સપાટી ૧૧૯.૨૧ મીટરે પહોચી હતી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ગત વર્ષ કરતા સારી જોવા મળી રહી છે. ઉપરવાસથી સરદાર સરોવરમાં ૮,૪૦૦ કયુસેક પાણી આવી રહ્યું હોવાથી ડેમની સપાટી ૧૧૯.૨૧ મીટરે પહોચી છે. ડેમનો લાઈવ સ્ટોરેજ ૧૧૦૫ મિલીયન કયુબીક મીટર થઈ છે.ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેટલા પાણીનો ડેમમાં સંગ્રહ થયો છે.જળ વિવાદ પંચના ચૂકાદા મુજબ ૧ જુલાઈથી ૩૦ જૂન સુધી ૧૦,૦૦૦ એમસીએમ પાણી ગુજરાતને મળવા પાત્ર છે.
નર્મદાબંધની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.તેથી હવે ઉનાળામાં પણ લોકોને પાણી સમસ્યાનો સામનો નહી કરવો પડે તેવા સંજોગો નિર્માણ થયા છે.એપ્રીલ મહિનાની આકરી ગરમી પડી રહી છે. અને પાણીની માંગ વધી છે. તેવામાં નર્મદા ડેમની સપાટી ૧૧૯.૨૧ મીટરે પહોચી છે. મધ્યપ્રદેશમાંથી સરદાર સરોવરમાં ૮,૪૦૦ કયુસેક પાણીની આવક થઈ રહી છે.ડેમમાં ૧૧૦૫ મીલીયન કયુબીક મીટર લાઈવ સ્ટોરેજ છે. ગત વર્ષે ડેમ ખાલી થઈ જતા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આઈબીપીટી કેનાલ શ‚ કરવાની ફરજ પડી હતી આમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડેમમાં નવા નીર આવ્યાના શુભ સમાચારથી પીવા માટે અને ખેતી માટે પાણીની સમસ્યામાં વધારો નહી થાય તેવા વાવડ છે.