- ખેડુતોને તાલીમ મળે તે હેતુથી 10 ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બનાવી ફાર્મર માસ્ટર ટ્રેનર, ટેકનીકલ માસ્ટર ટ્રેનરોની નિમણુંક
- આત્મા પ્રોજેકટ અંતર્ગત
- બીજામૃત, જીવામૃત, મિકસ ક્રોપિંગ સહિતના વિષયો પર માર્ગદર્શન મેળવતા ખેડુતો
પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિનું પણ સંવર્ધન થાય છે. કેમિકલ મુક્ત ખેતીને લીધે જમીન ફળદ્રુપ બને છે અને પ્રાકૃતિક તત્વો જળવાતા જન આરોગ્યની સુખાકારી સાથે ખેડૂતોનો ખેતી ખર્ચ પણ ઘટે છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણના સંરક્ષક તરીકે પણ ઉભરી આવી છે.
દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહ્યુ છે.આ માટે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 42 ક્લસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનીકલ માસ્ટર ટ્રેનરની નિમણુંક અને સંચાલન હેઠળ પ્રત્યેક ગામમાં ચાર તાલીમ આપવાની કામગીરી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ 1 મે, -2023થી અમલમાં છે. જિલ્લામાં વર્ષ 2023-24મા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જિલ્લામાં 84,719 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીના તમામ મુદ્દાઓ એટલે કે બીજામૃત, જીવામૃત, મિક્સ ક્રોપિંગ જેવા વિષયો પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમના માધ્યમથી ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના થતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થયા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રસાયણ મુક્ત હોય માનવ સ્વાસ્થ્ય અને પ્રકૃતિને નુકસાનકારક હોતી નથી તેમજ મનુષ્ય રોગ મુક્ત રહે છે. ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જમીનની પોષણ વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવે છે.
વિવિધ પ્રકારના ખાતર જેવા કે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા ખર્ચ વિના થતી આ પ્રાકૃતિક ખેતીથી જમીનના બંધારણમાં અને જમીન સ્વાસ્થ્યમાં અત્યંત લાભદાયી સાબિત થયેલ છે.
રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં આજ દિન સુધીમાં કુલ 84719 ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. રાજ્યપાલશ્રી લિખિત પ્રાકૃતિક ખેતીની પુસ્તિકાઓનું પણ ઉક્ત તાલીમમાં વિનામૂલ્યે ખેડૂતોને વિતરણ કરીને સઘન અભ્યાસ સારૂ પ્રેરણા આપવામાં આવી રહી છે.
જિલ્લામાં ગૌશાળા તેમજ પાંજરાપોળમાંથી ખેડૂતોને તૈયાર જીવામૃત અને ઘન જીવામૃત ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પાક સંરક્ષણના આયામો ખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા ખેડૂતોને તાલીમમાં ઉપસ્થિત રાખીને પુરૂ પાડવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીથી જમીન સુધરે, કૃષિ ખર્ચ ઘટે: ભાવેશ નંદા
ખેડૂત ભાવેશભાઈ નંદા જણાવે છે કે પહેલા હું પણ રાસાયણિક ખેતી કરતો હતો. રાસાયણિક ખેતીથી ખર્ચ વધુ આવતો અને ઉત્પાદન ઓછું મળતું અને જણસના પુરા ભાવો પણ મળતા ન હતા. ત્યારબાદ હું જામનગર જિલ્લામાં ચાલતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને મને પ્રાકૃતિક ખેતીના લાભોની આ પ્રોજેક્ટના માધ્યમથી જાણકારી મળી. રાજ્ય સરકાર તથા આત્મા પ્રોજેક્ટના માધ્યમથી મેં જામનગર જિલ્લા તથા જિલ્લાની બહાર કૃષિલક્ષી પ્રવાસો કર્યા અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો કઈ રીતે સફળ થઈ રહ્યા છે તેની જાણકારી મેળવી અને પ્રાકૃતિક કૃષિ અંગેની પૂરતી તાલીમ લીધી ત્યારબાદ મેં રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. આજે મારા ઉત્પાદનોનુ હું જાતે જ વેચાણ કરું છું અને મારા ઉત્પાદનોનું ખૂબ જ સારું મૂલ્યવર્ધન થઈ રહ્યું છે. જેથી મને આર્થિક રીતે ખુબ જ સારો ફાયદો થઈ રહ્યો છે. આત્મા દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે દર શનિવારે પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોની બજાર ભરાય છે જ્યાં મને નિ:શુલ્ક જગ્યા ફાળવવામાં આવી છે. ત્યાં હું મારા આ ઉત્પાદનો ખૂબ જ સારા ભાવે વહેંચી શકુ છુ. આથી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મારી અપીલ છે.