દિલ્હીની ફોર્ટીસ હોસ્પિટલમાં ડોકટરોની ટીમે કેન્સરની આશંકાથી ૬૦ વર્ષીય સ્ત્રીના પિતાશયને લેપ્રોસ્કોપિક સર્જરીથી બહાર કાઢયુ
દિલ્હીની ફોર્ટીસ હોસ્પિટલમાં ડોકટરોની ટીમે એક ૬૦ વર્ષીય સ્ત્રીના પિત્રાશયમાંથી ૮૩૮ પથ્થરો કાઢયા છે. છેલ્લા ઘણા વર્ષોથી અસહનીય પેટદર્દથી પીડિત મહિલાને કેન્સર થયું હોવાની આશંકાથી ડોકટરોએ લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા પિતાશયને બહાર કાઢયું હતું. ત્યારબાદ જયારે ડોકટરોએ તેના પિતાશયને બહાર કાઢીને કાપ્યું તો તેમાંથી ૮૩૮ પથરીઓ નીકળી હતી. જે અત્યારસુધીમાં ગોલબ્લેડરમાંથી નીકાળેલી પથરીઓમાંથી સૌથી વધુ છે.
ફોર્ટીસ હોસ્પિટલમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ સર્જરીના ક્ધસ્લટન્ટ અમીત જાવેદે જણાવ્યું કે, પીડિત મહિલાનું પિતાશય વાસ્તવિક આકારથી છ ગણુ વધારે મોટુ થઈ ગયું હતું. બે કલાકની સર્જરી બાદ મહિલાના પિતાશયને બહાર કઢાયું હતું. અમે પિતાશયને બાયોપ્સી માટે મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક પિતાશયને કાપ્યુ તો તેમાની ૮૦૦થી વધુ પથરીઓને જોઈને આશ્ર્ચર્ય પામ્યા હતા. આ પથરીઓથી પીડિતને પિતાશયમાં ખુબ જ બળતરા અને પેટદર્દ થતુ હતું. આના લક્ષણો બિલકુલ પિતાશયના કેન્સર જેવા હતા. પરંતુ આ પીડિત મહિલાને માત્ર પથરી હતી અને તેમની બાયોપ્સી રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. પથરીઓની સાથે પિતાશયના કેન્સરથી બચવાનો એકમાત્ર રસ્તો પિતાશયને જ કાઢી નાખવાનો છે.
પીડિત મહિલા સુનીતાએ કહ્યું કે, ઘણા વર્ષોથી તેમને પેટનો દુ:ખાવો થઈ રહ્યો હતો. તેણીએ જયારે ડોકટરને બતાવ્યું તો ડોકટરોએ અલ્ટ્રાસાઉન્ડ અને સીટીસ્કેન કર્યા બાદ પિતાશયના કેન્સરની આશંકા વ્યકત કરી હતી અને કહ્યું કે પિતાશયને વહેલીતકે બહાર કાઢવું જરૂરી છે. ફોર્ટીસ હોસ્પિટલના ફેસીલીટી ડાયરેકટર મહિપાલ ભનોને જણાવ્યું કે, પિતાશય કેન્સરના સૌથી વધુ કેસો પૂર્વ અને મધ્ય ભારતમાં નોંધાય છે. તેમાં પણ સ્ત્રીઓમાં પિતાશય કેન્સર વધુ નોંધાય છે.