પ્રતિ ચો.ફૂટ થડાનો ભાવ રૂ.1059 નિયત કરાયો: ટૂંક સમયમાં થડા ફાળવણી માટે ટેન્ડર પ્રસિદ્વ કરાશે
કોર્પોરેશનમાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 29 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.15.03 કરોડના વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. શહેરના વોર્ડ નં.7ના રામનાથ પરા મુક્તિધામ પાસે કોર્પોરેશન દ્વારા ફ્લાવર માર્કેટ બનાવવામાં આવી છે. જેમાં 83 થડાઓ બનાવવામાં આવ્યા છે. થડાની ફાળવણી પાઘડી પેટે કરવામાં આવશે. આજે ઘડી સમિતિ દ્વારા પ્રતિ ચો.ફૂટ ભાવ અને માસિક ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.7ના રામનાથ પરા મુક્તિધામ પાસે રૂ.48.50 લાખના ખર્ચે ફ્લાવર માર્કેટ બનાવવામાં આવી છે. જેમાં 76થી 94 ચો.ફૂટના બે થડા, 61 થી 75 ચો.ફૂટના 20 થડા અને 43 થી 60 ચો.ફૂટના 61 થડા બનાવવામાં આવ્યા છે. આ થડાની ફાળવણી રોડ પર બેસી ફૂલનો ધંધો કરતા આસામીઓને કરવામાં આવશે. જેમાં આસામીઓ પાસેથી માત્ર ફૂલ બજાર બનાવવા માટેનો ખર્ચ વસૂલવામાં આવશે. જમીનનો ખર્ચ વસૂલાવશે નહીં. 83 થડાનું કુલ ક્ષેત્રફળ 4581.29 ચો.ફૂટ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રતિ ચો.ફૂટ થડાનો ભાવ રૂ.1059 નક્કી કરવામાં આવ્યો છે. થડાની ફાળવણી પાઘડી પેટે કરવામાં આવશે અને આ માટે ડ્રો પણ યોજાશે. થડા ફાળવણી બાદ વેજીટેબલ માર્કેટના ધોરણે ફૂલના ધંધાર્થી પાસેથી માસિક રૂ.500 ભાડું અને જીએસટીની વસૂલાત કરવામાં આવશે. ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા થડા ફાળવણી માટેની તારીખનું એલાન કરાશે.
ડ્રેનેજ ફરિયાદ નિકાલના કોન્ટ્રાક્ટમાં ઓનની પરંપરા યથાવત
ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ જાણે ઓન વિના આપવો જ નહીં તેવું મહાપાલિકાએ મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અલગ-અલગ ચાર વોર્ડમાં ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં પણ ઓન ચૂકવવામાં આવી છે. વોર્ડ નં.1 અને વોર્ડ નં.9માં ભૂગર્ભ ગટરની નિકાલનો કોન્ટ્રાક્ટ ર્માં ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે. જેમાં 12 ટકા જેવી ઓન ચૂકવવામાં આવી છે. આ માટે રૂ.27.20 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.8 અને 10માં ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાક્ટ 9.90 ટકાની ઓન સાથે મોરલી ક્ધસ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને રૂ.20.55 લાખ મંજૂર કરાયા છે.