ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના કારણે કુલ ખેડૂતોને કુલ 83.80 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે. સંભવત: મંત્રી મંડળની બેઠકમાં ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરાશે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં માવઠુ થવા પામ્યું હતું તેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા સરકારે કૃષિ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવાની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સર્વે પૂર્ણ થઇ ગયો છે. જેમાં ખેડૂતોને જંગી નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.
બાવન તાલુકાના 2755 ગામ અસરગ્રસ્ત હતા જેમાંથી 1747 ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હોવાનો અહેવાલ
માવઠાના કારણે કુલ 1.73 લાખ હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. તેમાંથી 1.50 લાખ હેકટર જેમાં કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં સર્વે કરાયો હતો. જેમાં 33 ટકા વળતર અપાય છે તે ધારાધોરણ મુજબ 98,813 હેકટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયાનું બહાર આવ્યું છે. જે અંદાજે 83.80 કરોડ રૂપિયા જેટલું થાય છે.
52,032 ખેડૂતોને આ નુકસાન થવા પામ્યું હતું. માવઠાના કારણે ડાંગ, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સુરત, નવસારી, તાપી, નિઝર, આણંદ, ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી. કુલ 52 તાલુકાના 2755 ગામ અસરગ્રસ્ત હતા. તેમાંથી 1747 ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતુ. કૃષિ વિભાગનીની 497 ટીમે 2414 જેટલા ગામમાં સર્વેની કામગીરી કરી હતી.