સૌરાષ્ટ્રના માત્ર 24 વિદ્યાર્થીઓ જ ધોરણ-12 સાયન્સના પરિણામમાં A-1 ગ્રેડ હાંસલ કરી શક્યા સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 62.09 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે 65.58 ટકા આવ્યું છે. મોરબી જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 83.22 ટકા રહ્યું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતા ઘટ્યું છે. ગત વર્ષે રાજકોટ જિલ્લો 85.78 ટકા પરિણામ સાથે રાજ્યમાં નંબર-1 રહ્યો હતો. આ વખતે રાજકોટ જિલ્લાનું પરિણામ 82.49 ટકા રહ્યું છે.
જિલ્લામાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ 7.50 ટકા જેટલું ઓછું પરિણામ આવ્યું છે. માત્ર 27 શાળાઓ જ 100 ટકા પરિણામ હાંસલ કરી શકી છે. આજે બોર્ડ દ્વારા પ્રથમવાર વોટ્સએપ્પ માધ્યમથી પણ છાત્રોને પરિણામ આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છના અલગ-અલગ જિલ્લાઓની પરિણામની ટકાવારી પર નજર કરવામાં આવે તો કચ્છનું પરિણામ 70.88 ટકા, અમરેલી જિલ્લાનું પરિણામ 67.91 ટકા, જામનગર જિલ્લાનું પરિણામ 77.57 ટકા, જૂનાગઢ જિલ્લાનું પરિણામ 70.84 ટકા, ભાવનગર જિલ્લાનું પરિણામ 82.51 ટકા, રાજકોટ જિલ્લાનું પરિણામ 82.49 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 79.21 ટકા, પોરબંદર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 62.09 ટકા, બોટાદ જિલ્લાનું પરિણામ 74.49 ટકા, ગીર સોમનાથ જિલ્લાનું પરિણામ 66.35 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 71.05 ટકા જ્યારે મોરબી જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 83.22 ટકા આવ્યું છે.
રાજ્યમાં આ વખતે માત્ર 61 છાત્રો જ એ-1 ગ્રેડ હાંસલ કરી શક્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 24 છાત્રોને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. પોરબંદર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં એકપણ વિદ્યાર્થીને એ-1 ગ્રેડ મળ્યો નથી.જ્યારે રાજકોટ જિલ્લામાં પાંચ વિદ્યાર્થીઓને, જૂનાગઢ જિલ્લામાં ચાર વિદ્યાર્થીઓને, મોરબી, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને કચ્છમાં બે વિદ્યાર્થીઓને અને અમરેલીમાં માત્ર એક વિદ્યાર્થી એ-1 ગ્રેડ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. ગત વર્ષે 196 છાત્રોએ એ-1 ગ્રેડ હાંસલ કર્યો હતો. જેની સામે આ વખતે માત્ર 61 વિદ્યાર્થીઓએ જ રાજ્યભરમાં એ-1 ગ્રેડ હાંસલ કરી શક્યા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગત વર્ષે 64 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું હતું. જ્યારે આ વખતે માત્ર 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. સરેરાશ પરિણામમાં પણ 7.50 ટકાનો તોતીંગ ઘટાડો નોંધાયો છે.
રાજકોટ જિલ્લાનું પરિણામ ગત વર્ષની સરખામણીએ 3.29 ટકા ઘટ્યું
રાજકોટ જિલ્લાનું પરિણામ ગત વર્ષની સરખામણીએ 3.29 ટકા જેટલું ઘટ્યું છે. જેના કારણે આ વખતે મોરબી જિલ્લો 83.22 ટકા પરિણામ સાથે રાજ્યનો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બની ગયો છે. માર્ચ-2022માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં રાજકોટ જિલ્લાનું પરિણામ 85.78 ટકા જેટલું આવ્યું હતું.
ગત વર્ષે રાજકોટ જિલ્લો પરિણામમાં રાજ્યભરમાં નંબર-1 રહ્યો હતો. આ વખતે પરિણામની ટકાવારીમાં 3.29 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે મોરબીએ રાજકોટની સાઇડ કાપી લીધી છે. મોરબી જિલ્લાનું પરિણામ 83.22 ટકા આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. પરિણામ એટલા માટે ચિંતાજનક છે કે આ વખતે એ-1 ગ્રેડ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે.
27 શાળાઓનું 100 ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીએ 37 શાળાઓનું શૈક્ષણિક સ્તર કથળ્યું
ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ 7.50 ટકાથી પણ ઓછું આવ્યું છે. રાજ્યભરમાં વિજ્ઞાન પ્રવાહનું શૈક્ષણિક સ્તર કથળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગત વર્ષે રાજ્યની 64 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું હતું. જેની સરખામણીએ આ વખતે માત્ર 27 શાળાઓ જ 100 ટકા પરિણામ હાંસલ કરી છે. બીજી તરફ 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 61 શાળાઓનું પરિણામ 10 ટકા કે તેથી ઓછું આવ્યું હતું. આ વખતે તેમાં 15 શાળાઓનો વધારો થયો છે. એ-1 ગ્રેડ હાંસલ કરનારા છાત્રોની સંખ્યામાં પણ તોતીંગ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 196 છાત્રોએ એ-1 ગ્રેડ હાંસલ કર્યો હતો. ત્યારે આ વખતે માત્ર 61 વિદ્યાર્થીઓ જ એ-1 ગ્રેડ હાંસલ કરી શક્યા છે.