લીંબડી બેઠક ઉપર સૌથી વધુ ૧૪ ઉમેદવારો અને કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર ૪ ઉમેદવારો: ૫૩ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના જંગમાં
ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૨૧ ઉમેદવારોએ મેદાન છોડ્યું
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ૮૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે. ૮ બેઠકોની પેટાચૂંટણી ઉપર આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર ૪ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો કચ્છ અબડાસા બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ઉપરાંત મોરબી અને ગઢડા બેઠક ઉપર ૧૨-૧૨ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. અમરેલી ધારી બેઠક ઉપર ૧૧ ઉમેદવારો વચ્ચે જંગ છે. તો કરજણ અને ડાંગ બેઠક ઉપર ૯-૯ ઉમેદવારો મેદાનમાં છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં ગઈકાલે કુલ ૨૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.
ચૂંટણી પંચની યાદી મુજબ, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ૫૩ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર આ અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે. આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ ૧૪ ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ૧૧ મેદાનમાં છે. ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બંને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે. કપરાડા વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામસે. કોંગ્રેસમાં ૪ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા જીતુભાઇ ચૌધરીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસ સાથે થયેલા બાબુભાઇ વરઠાની કોંગ્રેસમાંથી ઉમેદવારી છે. જ્યારે કે, જયેન્દ્ર ગાવિત અને પ્રકાશ પટેલની અપક્ષ ઉમેદવારી છે. આ બેઠક પર કુલ ૧૦ ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારો સાથે ૩-૩ ડમી ઉમેદવારો મળી કુલ ૮ ફોર્મ અને બીજા બે અપક્ષ ઉમેદવારો છે.
કચ્છની અબડાસા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં ૯ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત ૧૦ ઉમેદવારો મેદાને છે. ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ૧ અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. રૂડાણી ચતુરભાઈ પરષોત્તમભાઈ નામના અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી હવે પેટાચૂંટણીમાં કુલ ૧૧ ઉમેદવારો મેદાને છે.
મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાંથી કેટલાક ફોર્મ પાછા ખેંચાયા છે. ત્યારે હવે કુલ ૧૨ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિ પટેલ સામે મુખ્ય જંગ છે. તો ૧૦ અપક્ષ ઉમેદવારો પણ છે.