Junagadh News
જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની બંધુઓને બંધક બનાવી રૂ. 81.70 લાખની મતાની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ બેડામાં પામ દોડધામ છે. એસપી હર્ષદ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસમાં ઝુકાવ્યું છે. રાત્રે મેંદરડાના રાજેસર ગામે સોની વેપારી બંધુને બંધક બનાવી રૂ. 81.70 લાખની માલમતાની લૂંટ ચલાવીને જૂનાગઢના દિપક જોગીયા સહિત 3 શખ્સો નાસી જતા પોલીસે આ ઇસમોને ઝડપી લેવા માટે આકાશ પાતાળ એક કર્યા છે.
મેંદરડા તાલુકાના રાજેશર ગામે રહેતા અને સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન અને સાથે મકાન ધરાવતા જીતેન્દ્ર વ્રજલાલ લોઠીયા (ઉ.વ. 52) અને તેના ભાઈ તુલસીદાસ લોઢીયા ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ તેમના ઘરે હતા ત્યારે તેમની સાથે લેતી દેતી કરતો જુનાગઢનો દિપક અશોક જોગીયા નામનો ઈસમ આવ્યો હતો. જેથી દિપક માટે ચા જીતેન્દ્રભાઈએ રસોડામાં જઈને ચા બનાવી હતી.
જીતેન્દ્રભાઈએ ચા બનાવીને પીવડાવ્યા બાદ પોતે ચા પીધા પછી પાણી પીવાની ટેવ ધરાવતા હોય જેથી તેઓ રસોડામાં પાણી પીવા ગયાં હતા ત્યારે આરોપીએ તકનો લાભ લઈને દિપક એ અન્ય બે ઈસમોને બોલાવીને સોનીબંધુ વેપારીને મોઢે ડુચો દઈ તેમની તિજોરીમાંથી રૂ. 14.70 લાખની કિંમતની 21 કિલો ચાંદી, રૂપિયા 58લાખની કિંમતના સોનાના આઠ બિસ્કીટ અને રૂપિયા નવ લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 81.70 લાખની માલમતાની લૂંટ ચલાવી અને મકાનને બહારથી તાળું લગાવીને નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા એસ.પી. હર્ષદ મહેતા સહિતના પોલીસ અધિકારીઓ વગેરે રાજેસર ગામે દોડી ગયા હતા અને લૂંટારૂઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમને કામે લગાવવામાં આવી હતી.
એસપી હર્ષદ મહેતાએ આ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, લૂંટનો ભોગ બનેલા સોની વેપારી બંધુ એકલા જ રહે છે. અને લૂંટ ચલાવનાર દીપક જોગીયા તેમનો પરિચિત શખ્સ હોવાનું ખુલ્યું છે. આ ઈસમ ચાંદી સોનુ અને રોકડ રકમ સોની વેપારી બંધુ ક્યાં કેવી રીતે રાખે છે તેની તમામ માહિતી દિપક જોગીયા પાસે હતી આથી તેણે અન્ય બે ઈસમ સાથે લૂંટ ચલાવી હોવાનું ખુલ્યું છે. આ ઇસમો ને ઝડપી લેવા માટે કાઈમ બ્રાન્ચ તેમજ મેંદરડાના પીએસઆઈ વાય. પી. હડિયા સહિતનો પોલીસ કાફલો તપાસ કરી રહ્યો છે. એસપી હર્ષદ મહેતાએ લૂંટારૂઓ નજીકના સમયમાં ઝડપાઈ જશે તેમ જણાવ્યું હતું જૂનાગઢ ડીવાયએસપી એ એસ પટ્ટણીએ જણાવ્યું કે, રાત્રીના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં સોની પરિવારના ઘરે લૂંટ થયેલ છે. જેમાં બંદૂકની અણીએ અમુક ઈસમોએ બંદક બનાવીને લોકરની ચાવી મેળવી સોના-ચાંદી અને રોકડ રકમ સહીત અંદાજે રૂ. 80 લાખની લૂંટ કરેલ છે. પોલીસ તપાસ દરમિયાન જાણકારી મળી છે કે લૂંટમાં સામેલ એક શખ્સ ફરિયાદીના પરિચયમાં હતો. મેંદરડા પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
લૂંટારૂઓને પકડી પાડવા જુદી-જુદી ટીમો બનાવી તપાસ : નાકાબંદી કરાઈ
લૂંટારુઓએ આટલી મોટી મતાની લૂંટ આચરી લેતા પોલીસ તંત્રના દોડધામ મચી જવા પામી છે. લૂંટારુઓને ઝડપી લેવા માટે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મેંદરડા પીએસઆઈ હડિયાની આગેવાનીમાં વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળે નાકાબંદી પણ કરી દેવામાં આવી છે.
લૂંટારૂદિપક જોગીયા ભોગ બનનારના ઘરના ખૂણે-ખૂણાથી વાકેફ હતો
લૂંટારુ દિપક જોગીયા ભોગ બનનાર જીતેન્દ્રભાઈ લોઢીયા સાથે પરિચયમાં હતો અને તેમની સાથે લેતી-દેતી કરતો હોય તેમના ઘરથી ભલીભાતી વાકેફ હતો. ભોગ બનનારની તિજોરી ક્યાં આવેલી છે, તેની ચાવી ક્યાં રાખવામાં આવે છે આ બધી બાબતોથી વાકેફ હતો. ભોગ બનનાર સોનીકામ કરતા હોય તેમની પાસે મોટી મતા હશે તેવું પણ દિપક જાણતો હતો.
બંદૂકની અણીએ બંધક બનાવીને લૂંટ ચલાવી લેવાઈ : ભોગ બનનાર
ભોગ બનનાર સોની વેપારી જીતેન્દ્રભાઈ લોઢીયાએ મામલામાં જણાવ્યું છે કે, રાત્રીના ત્રણ ઈસમો આવી બંદૂકની અણીએ અમને બાંધીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. જેમાં કુલ એકવીસ કિલો ચાંદી, નવેક લાખની રોકડ રકમ અને આઠ સોનામાં બિસ્કિટ સહિતનો મુદ્દામાલ લૂટી ગયા છે. જેમાં દીપક જોગીયા નામક શખ્સ મારી સાથે પરિચયમાં હતો.