ધનવંતરી રથને કારણે હું કોરોના મૂકત બની સ્વસ્થ છું: લાભુબેન
માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો માણસનું મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. હાલ કોરોનાનાં સંક્રમણમાં આવતા દર્દીઓમાં મોટા ભાગે શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું જોવા મળે છે. આવો જ એક કિસ્સો જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં બન્યો. જ્યાં એક પરિવારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયડીના હેલ્થ વર્કરો ગામમાં પોઝિટિવ કેસના પરિવારજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા પહોંચી ગયા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પરિવારના મોભી ૯૦ વર્ષીય લાભુબેન વસોયાનું ઓક્સિજન લેવલ ઓછું છે. પરંતુ વયોવૃદ્ધ લાભુબેન પારીવશ જ રહેતા હતા અને હાઈપર ટેન્શનની બીમારીને કારણે તેઓ કોરોનાનું નામ સાંભળતા ભયભીત થઈ ગયા હતા. એ જ કારણ થી લાભુબેન અને તેમનો પરીવાર ટેસ્ટ માટે તૈયાર ન હતો. પરંતુ ડો.શ્રધ્ધા દેસાણી અને ડો.કરણ અમલ દ્વારા તેમના પરિવારને કોરોના સામે લડવા માનસિક હૂંફ આપવામાં આવી અને લાભુબેનને ટેસ્ટ માટે સમજાવ્યા. લાભુબેનને જામકંડોરણા સી.એચ.સી. ખાતે ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં ૧૯/૦૭/૨૦૨૦ના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા.
રાજકોટ સિવિલમાં ડોકટરો દ્વારા નિયમીત અપાતા પોષણયુક્ત આહાર,આયુર્વેદિક ઉકાળા, દવા અને સુયોગ્ય સારવારને પરિણામે લાભુબેન તા.૩૦/૦૭/૨૦૨૦ના રોજ સ્વસ્થ થઈને પોતાને ઘેર પરત ફર્યા. હાલ કોરોના મુક્ત થતા કહ્યું કે, ધન્વંતરી રથને કારણે જ આજે હું કોરોના મુક્ત બની સ્વસ્થ છું.